Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વલસાડના ગાડરિયા ગામે લૂંટારૂ ટોળકી ત્રાટકતા ગ્રામજનોએ બહાદુરીપૂર્વક સામનો કર્યોઃ 3માંથી 2 લૂંટારૂઓ ઝડપાઇ જતા માર મારીને પોલીસને સોંપ્‍યા

એક લૂંટારૂ મંગળસુત્ર અને આઇફોન લઇને નાસી છૂટયો

વલસાડ: વલસાડના ગાડરિયા ગામમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. લૂંટારુઓ એક ઘરને નિશાન બનાવી ઘર માલિકને બંધક બનાવી અને લૂંટ ચલાવી રહ્યા હતા. એ વખતે જ ઘરના લોકો ઉઠી જતા બૂમાબૂમ થઈ હતી. આથી આખું ગામ એકઠું થઈ જતાં 3 માંથી 2 લૂંટારુઓ ગામ લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. જેમને લોકોએ માર મારી પોલીસના હવાલે કર્યા હતા. જિલ્લાના શહેરી વિસ્તારમાં આતંક મચાવતી લૂંટારુ ગેંગ ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ કરતી ગેંગનો બહાદુરી પૂર્વક સામનો કરનાર પરિવારના કારણે 2 આરોપી ઝડપાયા છે.

રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર લૂંટારુ ગેંગનો આતંકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમ જેમ ઠંડીનું જોર વધી રહ્યું છે. તેમ-તેમ રાતના અંધકારમાં લૂંટારુ ગેંગ પણ સક્રિય થઇ રહી છે. ત્યારે આ વખતે વલસાડ તાલુકાના ગાડરિયા ગામના સડક ફળીયામાં રેહત જતીનભાઈ પટેલના ઘરમાં ત્રણ લૂંટારુંઓ લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશી લૂંટારુઓ એ ઘર માલિક જતીનભાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરી તેમને ઘાયલ કરી અને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ લૂંટારૂઓ ઘરમાંથી લૂંટ કરવાની સરું કર્યું હતું.

જોકે ભાઈ જતીનભાઈની પત્ની જાગી જતા તે લૂંટારુંઓને જોઈ ગભરાઈ ગયેલ તેમની પત્ની એ બુમાબૂમ કરતા અન્ય લોકો જાગી ગયા હતા. જોકે તે દરમ્યાન પણ જતીન ભાઈ ઉપર લૂંટારાઓએ હુમલો કર્યો હતો. ટોમી વડે મારવા જતા ઘર માલિક ની બહેને પાછળથી પકડી લીધી હતી. ત્યારબાદ લૂંટારૂઓ અને પરિવારના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ દરમિયાન લૂંટારું ઓને ધક્કો મારતા એક દાદર ઉપરથી નીચે પટકાયો હતો. અને ત્યાં ઊંઘતા ઘરના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. બાજી ઊંધી પડતાં લૂંટારુઓ ઘરમાંથી ભાગ્યા હતા. જોકે એ પહેલાં મોટી સંખ્યામાં ગામના લોકો ઘરની બહાર એઠકા થઈ જતાં ભાગી રહેલા બે લૂંટારુંઓને પકડી લેવામાં આવ્યા હતા. અડધી રાત્રે બનેલી ઘટનાને પગલે આખું ગામ એકત્ર થઈ ગયું હતું. જ્યારે એક લૂંટારું મંગળ સૂત્ર અને એક આઈફોન લઇને ફરાર થઈ ગયો હતો.

ઘટના અંગે વલસાડ પોલીસ ને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે તે પહેલાં લોકો એ ઝડપાયેલા 2 લુટારુઓને બરોબરનો માર માર્યો હતો. મારી મારી લોકો એ બંને લૂંટારુઓને બાંધી દીધા હતા. બાદમાં પોલીસ સ્થળ પર પડતા લોકોએ બંને લુટારુને પોલીસના હવાલે કરી દીધા હતા. નોંધનિય છે કે લૂંટારુઓ એટલા સાતીર હતા કે સીસીટીવીમાં તેમના ચેહરા ન આવે તે માટે સીસીટીવી ઉપર કપડું નાખી દઈ ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા. પરંતુ ઘર ભોગ બનેલ પરિવારની હિંમત અને સતર્કતા ને પગલે 2 લૂંટારું આબાદ ઝડપાઇ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ગંભીરતા જોતા ડી વાય એસ.પીની ટિમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે પોલીસ પોહચ્યા બાદ ઇજા પામેલા લૂંટારુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં એકાંત વિસ્તારમાં આવેલ બંગલાને નિશાન બનવતી આ ટોળકી આ વખતે પટેલ પરિવારની બહાદુરીના કારણે ઝડપાઇ ગઈ છે. ત્યારે વલસાડ પોલીસે ગ્રામીણ વિસ્તારમાં પણ પોતાનું પેટ્રોલિંગ સઘન બનાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે.

(4:24 pm IST)