Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સાયબર સેફ મિશનથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં સાયબર ફ્રોડને રોકવા અને સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

અદ્યતન ટેક્નોલોજી અને સાધનોના મહત્તમ ઉપયોગથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સહિતના ગૂનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે:-મુખ્યમંત્રીશ્રી સાયબર સેફ્ટીની માત્ર વાતો નહીં સાયબર ક્રાઇમ અટકાવવાના નક્કર આયોજન સાથે પોલીસદળ માટે પૂરતી નાણાંકીય જોગવાઇ કરવા રાજ્ય સરકાર તત્પર – ગૃહ રાજ્ય મંત્રીશ્રી રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ સાથે શિક્ષણ વિભાગની કામગીરીનો સમન્વય વિકાસની નવી ઉંચાઇ સર કરાવશે :- શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાધાણી મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ "સાયબર સેફ ગર્લ" પુસ્તકનું વિમોચન - www.cybersafeahmedabad.org વેબસાઇટના લોન્ચીંગ કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનો નો મહત્તમ ઉપયોગ કરીને  સાયબર ક્રાઇમ સહિત ના ગુનાઓ ને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની   જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજી ને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડા એ મેળવ્યું છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે કહ્યું કે હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ  તથા સાયબર નો યુગ છે અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં  આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે ત્યારે સમાજ માં આવા ગુનાઓ સામે જન જાગૃતિ  જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે. સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રીશ્રી એ સંબંધિત વ્યક્તિઓ ન  પ્રતિક સુપ્રત કર્યા હતા

રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું સાયબર સેફ ગર્લ પુસ્તકનું પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પોલીસ દ્વારા  શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં  સાયબર હેકિંગ અને સાયબર ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ  પ્રકારના ગુનાનો ભોગ બનતા  વિદ્યાર્થીઓ અટકે તે  માટે  યોજાયેલ હેકાથોનના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ પણ આ અવસરે પ્રાસંગિક સંબોધન કર્યા હતા.

રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, મુકેશ ભાઈ પટેલ,અમદાવાદના મેયર શ્રી કિરીટ ભાઈ,સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ હિતેશ ભાઈ બારોટ, શહેર પ્રમુખ અમિત ભાઈ શાહ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા,પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ  અવસરે ઉપસ્થિત રહ્યા હતા

(6:04 pm IST)