Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

દિવાળી પર્વે અમદાવાદની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો : લોકોની ભીડથી વેપારીઓમાં ખુશીની લાગણી

બજારમાં રોનક વધતાં વેપારીઓને પણ દિવાળી સુધી સારો વકરો થવાની આશા

અમદાવાદ :  દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારે ભીડના કારણે વેપારી આલમમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. ત્રણ દરવાજા સહિત શહેરના તમામ બજારોમાં ગત રવિવારના રોજ માનવ મહેરામણ ઉમટ્યો હતો. બજારમાં રોનક વધતાં વેપારીઓને પણ દિવાળી સુધી સારો વકરો થવાની આશા છે.

અમદાવાદ શહેરના ત્રણ દરવાજા બજારમાં રવિવારના રોજ બહારગામથી પણ લોકો ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીમાં પાછલા વર્ષે દિવાળી ફિક્કી રહી હતી ત્યારે કોરોનાના કેસ ઓછા થતાં અને સરકાર તરફથી છૂટછાટ મળતાં ચાલુ વર્ષે દિવાળીમાં રોનક પરત ફરી છે.

આ વખતની દિવાળી પહેલા કોરોના વાયરસ કાબૂમાં આવતા લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉંમટી પડ્યા છે. જો કે, દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં હવે ફકત એક જ રવિવાર બાકી રહ્યો છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ભદ્ર પ્લાઝા બજારમાં ખરીદી કરવા માટે ઉમંટી પડ્યા છે. સારી એવી ઘરાકીને કારણે વેપારીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યા છે.

શહેરના ફટાકડા બજારમાં વેપારીઓ દ્વારા માલનો સ્ટોક પણ વધારી દેવામાં આવ્યો છે આ સાથે કાપડ માર્કેટ અને પગરખા બજારમાં પણ વેપારીઓમાં સારી ઘરાકીને કારણે ખુશી જોવા મળી હતી. છેલ્લા બે વર્ષથી ભારે મંદીના કારણે વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી હતી અને ઘણા વેપારીઓએ પોતાના ધંધાઓ પણ બંધ કરી દીધા હતા. દિવાળી હોય કે પછી ઈદ જેવા મોટા તહેવારો હોય કોરોનાના ભયના કારણે લોકો બહાર નીકળતા અકળાતા હતા. પરતું હવે કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી જતા બજારોમાં પહેલા જેવી જ ભીડ જોવા મળી રહી છે.

(6:53 pm IST)