Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અલ્પેશ કથીરિયાની અટકાયતઃ ફાર્મ હાઉસમાં જન્મ દિવસની પાર્ટી કરતા કાર્યવાહી

મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા એ.એસ.આઈ. અને ત્રણ પોલીસ કર્મચારી પણ સસ્પેન્ડઃ ફાર્મહાઉસના માલિકની પણ અટકાયત

તસ્વીરમાં અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરવામાં આવી તે નજરે પડે છે. જ્યારે બીજી તસ્વીરમાં જન્મ દિવસની ઉજવણીમાં અલ્પેશ કથીરિયાને તેમના સમર્થકોએ ખભે ઉંચકીને જન્મ દિવસની ઉજવણીમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા તે નજરે પડે છે

રાજકોટ, તા. ૨૫ :. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા જાહેરનામા ભંગના ગુન્હામાં અલ્પેશ કથીરિયા અને ફાર્મહાઉસના માલિકની અટકાયત કરાતા ખળભળાટ મચી ગયો છે.

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનો ગઈકાલે જન્મ દિવસ હતો અને રાત્રીના સુરતના કામરેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સહજાનંદ ફાર્મહાઉસ ખાતે તેમના સમર્થકો દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મોટાપાયે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જાહેરનામાનો ભંગ થતા સુરત જિલ્લા પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયા, નિલેશ કુંભાણી અને ફાર્મહાઉસના માલિક સહિતની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એક એએસઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે રાજયના સુરત, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઇટ કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફયુ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કર્ફયુ વચ્ચે પાસના નેતા અલ્પેશ કથીરિયાની જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે.

ગઈ કાલે રાત્રે અલ્પેશ કથીરિયાએ કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંદ્યન તો કર્યું હતું. સાથે માસ્ક પણ નહોતા પહેર્યા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરી છે. આ સાથે અન્ય ચારની પણ કામરેજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવા તજવીજ હાથ ધરી હોવાનું મહિલા અધિકારીએ જણાવ્યુ હતું.

પાસ નેતા અલ્પેશ કથિરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરાયું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. અહીં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ સમગ્ર પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા છે.

(12:52 pm IST)