Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતના પુણા કેનાલ રોડ ઉપર હિટ એન્‍ડ રનઃ બાઇક ઉપર જતા 3 મિત્રોને ટેમ્‍પો ચાલકે હડફેટે લેતા 1નું મોતઃ બેને ઇજા

સુરત: પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બુધવારે રાત્રે બાઇક પર જઇ રહેલા ત્રણ મિત્રોને ટેમ્પો દ્વારા અડફેટે ચડાવાયા હતા. અકસ્માતમાં આઇસર ટેમ્પોના ચાલક નાસી છુટ્યા હતા. જેના પગલે રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ત્રણેય મિત્રોને સ્થાનિકોએ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજ્યું હતું.

 પુણા કેનાલ રોડ પર બાઇક અને આઇસર ટેમ્પો (GJ 7Y 3111) દ્વારા બાઇકને અડફેટે લેવામાં આવી હતી. જો કે અકસ્માત બાદ આઇસરનો ડ્રાઇવર ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. બુધવાર રાતેર 08.15 ની ઘટના બની હતી. રાહદારીઓ દ્વારા 108ને ફોન કરીને તમામ મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બેની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

બાઇક પર જઇ રહેલા ઇજાગ્રસ્ત નિલેશ ભડક (ઉ.વ 30) હેન્ડ વર્કનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. નિલેશ પરિવારનો એકનો એક પુત્ર છે. નિલેશનું સ્મીમેર હોસ્પિટલ ખાતે ગંભીર સ્થિતીમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા બે અન્ય લોકોને તત્કાલ તેમના પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે તેમની સ્થિતી પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

(5:16 pm IST)