Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ઓનલાઈન પરીક્ષા પરિણામ અયોગ્ય પણ ગણાઈ શકે છે

હેમચંદ્રાચાર્ય યુનિ.ના કુલપતિના પરિપત્રથી વિવાદ : સરકારી, બિન સરકારી સંસ્થા ઓનલાઇન પરીક્ષાને અયોગ્ય ગણે તો તે જવાબદરી યુનિવર્સીટીની રહેશે નહીં

પાટણ, તા. ૨૫ : પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોવિડ મહામારી વચ્ચે લેવાયેલ ઓનલાઇન પરીક્ષાને લઇને સામે આવ્યો છે. આ વિવાદાસ્પદ પરીપત્ર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડો. જે જે વોરાએ આજે એકાએક જાહેર કર્યો છે અને ત્યારબાદ મોટો વિવાદ ઉભો થયો છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ બહાર પાડેલા પરીપત્રમાં જણાવેલ ૧૦મા ક્રમાંકની સૂચનાને લઇને મોટો વિવાદ શરુ થયો છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પરીપત્રમાં ૧૦મા ક્રમાંકમાં જણાવેલ સૂચનામાં દર્શાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષાનું જાહેર થયેલ પરિણામ અયોગ્ય પણ ગણાઇ શકે છે. જેને પરીપત્રને લઇને વિવાદ શરૂ થયો છે. જો કે વિવાદાસ્પદ પરીપત્રને લઇને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. ડી એમ પટેલ દ્વારા તાત્કાલિક ખુલાસો જાહેર કર્યો છે.

રજિસ્ટ્રારે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષાના તમામ પરીણામ અને પરીક્ષાને માન્ય અને ગ્રાહ્ય ગણાવીને વિવાદાસ્પદ પરીપત્ર અને કુલપતિનો બચાવ કર્યો છે. તો બીજીબાજુ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વિવાદાસ્પદ પરીપત્ર બાદ કોંગ્રેસ દ્વારા વિવાદ શરુ કરાયો છે. જાહેર કરાયેલ પરીપત્ર આગામી ઓનલાઇન પરીક્ષાને ધ્યાનમાં રાખીને કરાયો છે. કોવિડ વચ્ચે લેવાયેલ તમામ ઓનલાઇન પરીક્ષા નિયમ મુજબ જ લેવાયેલ છે અને તમામ ઓનલાઇન પરીક્ષા અને પરીક્ષાના પરીણામો માન્ય અને ગ્રાહ્ય જ ગણાય છે. હવે આ પરિપત્ર બાદ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

    હેમચંદ્રાચાર્ય યુનિ. ઓનલાઇન પરીક્ષા માટે મુકવામાં આવેલ મહત્વના સૂચનો પૈકી એક સૂચનમાં કોઈપણ સરકારી /બિન સરકારી સંસ્થા ઓનલાઇન પરીક્ષાને અયોગ્ય ગણે તો તે જવાબદરી યુનિવર્સીટીની રહેશે નહીં. ત્યારે પ્રથમવાર આવી જાહેરાત કરતાં છાત્રો પરીક્ષા યોગ્ય ગણાશે કે નહીં તે બાબતને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા ન આપવા માંગતા છાત્રોએ ઓનલાઇન પરીક્ષા આપવી હોઈ તો રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. રજીસ્ટ્રેશન માટે યુનિવર્સિટી દ્વારા ૨૪ ડિસેમ્બર બપોરે ૨ વાગ્યા થી ૨૬ ડિસે.સાંજે ૪ વાગ્યા સુધી મુદત અપાઇ છે.

(8:43 pm IST)