Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ૧૫ સીટ માટે ૩૯ ઉમેદવાર

મહેસાણાની પ્રતિષ્ઠિત ડેરી પર સત્તા માટેનો જંગ : ૧૩૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા જે પૈકી ફોર્મ ચકાસણી વેળા ૨૭ ફોર્મ રદ થયાં અને ૧૦૫ ફોર્મ માન્ય રહ્યાં

વિસનગર, તા. ૨૫ : મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી પાંચમી જાન્યુઆરીએ યોજાનારી ૧૫ બેઠકોની ચૂંટણીમાં ૩૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ચૂંટણી માટે કુલ ૧૩૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે પૈકી બુધવારે ફોર્મ ચકાસણી દરમિયાન ૨૭ ફોર્મ રદ થયાં હતાં અને ૧૦૫ ફોર્મ માન્ય રહ્યાં હતાં. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અન્ય ફોર્મ પરત ખેંચાતાં હવે મેદાનમાં ૩૯ ઉમેદવારો રહ્યા છે.

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વધુ એક નવું પરિવર્તન જોવા મળ્યું છે. સિદ્ધપુર સીટ પર ત્રણ ઉમેદવારના ફોર્મ જે ચૂંટણી અધિકારી ક વર્ગને કારણે અમાન્ય રાખ્યા હતા તે ગુરુવારે હાઈકોર્ટે મંજૂર કરતા હવે સિદ્ધપુરમાં પણ ચૂંટણી જંગ જામ્યો છે. આ ત્રણ ઉમેદવારોનાં ફોર્મ મંજૂર થતાં અશોકભાઈ ચૌધરીની પેનલને ઝટકો લાગ્યો છે. ત્યારે વિપુલભાઈ ચૌધરીની પેનલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિપુલ ચૌધરીની પેનલના ત્રણ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવા આવતાં હવે સિદ્ધપુર સીટ પર પણ ચૂંટણીનો જંગ જામશે. જો કે, હરીફ ઉમેદવારોની યાદી હજુ પ્રસિદ્ધ કરાઈ નથી ત્યારે ખરેખર કેટલા અને કયા ઉમેદવારો મેદાનમાં છે, એ તો હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

આગામી ૫ જાન્યુઆરીએ મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં ૧૧ મતદાન મથકોમાં મતદાન યોજાશે. જેમાં ૧૧૨૬ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉલ્લેખનિય છે કે, દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા માટે બંને જૂથો દ્વારા તડામાર તૈયારી થતાં રસાકસી જોવા મળી રહી છે. જેમાં વિપુલભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરીની પેનલ દ્વારા ચૂંટણી લડવા માટે અનેક પેતરા અજમાવવામાં આવી રહ્યા છે. વિપુલ ચૌધરી ચૂંટણી લડશે કે નહીં તે હજી નક્કી થયું નથી. ગુરુવારે વિપુલ ચૌધરીના જામીન નામંજૂર થયા છે ત્યારે હાઇકોર્ટમાં જોડીયા મંડળી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. જે અનુસંધાને સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા આ મામલે ૩૦ ડિસેમ્બરે આદેશ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

(8:47 pm IST)