Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા યુવકની લાશ મેશ્વો નદીમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

 

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારની એક સોસાયટીમાં રહેતાં એક પરિવારનો યુવાન પુત્ર મોડાસા ખાતેની એન્જીનીયરીંગ કોલેજમાં ગત ૧૭મી જાન્યુઆરીના રોજ માર્કસીટ લેવા આવ્યો હતો.માર્કસીટ લીધા બાદ અમદાવાદ જવા નીકળેલા અને એસ.ટી.બસ નહી મળતાં રાત્રે હોસ્ટેલમાં રોકાયો હોવાનું પરિવારજનોને મોબાઈલ ઉપર જણાવનાર આ યુવક બીજા દિવસે અચાનક આશ્ચર્યજનક રીતે ગૂમ થયો હતો.અને આ અંગે શોધખોળ બાદ પણ છાત્રનો પત્તો નહી લાગતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને પરિવારજનોએ પુત્ર ગૂમ થયો હોવાની ફરીયાદ નોંધાવી હતી.

 પરંતુ ગૂમ થયાના એક અઠવાડીયા બાદ આ આશાસ્પદ  છાત્રની લાશ જિલ્લાના મેશ્વો જળાશયમાંથી મળી આવતાં જ ચકચાર મચી હતી. આ ચકચારી ઘટનામાં શામળાજી પોલીસે અગમ્ય કારણોસર ડેમના પાણીમાં પડી જતાં મોત નીપજયું હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ? ખરેખર આ યુવકે કોઈપણ કારણોસર આપઘાત કર્યો હશે કે પછી કોઈએ ઈરાદાપૂર્વક આ યુવકનું કરપીણ રીતે મોત નીપજાવ્યું હશે તે તેવા ઉઠેલા પ્રશ્નોને લઈ પોલીસની તટસ્થ તપાસ અનિવાર્ય મનાય છે. મોડાસા ખાતેની એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો ૨૧ વર્ષિય યુવક નિરજ સંજયકુમાર કુશવાહ ગત ૧૭મી જાન્યુઆરીને સોમવારના રોજ પોતાના અમદાવાદ ખાતેના વટવા નિવાસ સ્થાનેથી મોડાસા માર્કસીટ લેવા આવ્યો હતો. માર્કસીટ લીધા બાદ આ યુવકે અમદાવાદ જવા એસ.ટી.બસ નહી મળતાં પોતે હોસ્ટેલમાં રોકાઈ ગયો હોવાનું પરિવારજનોને મોબાઈલ ફોન દ્વારા જણાવ્યું હતું.પરંતુ માર્કસીટ લેવા ગયેલ પુત્ર બીજા દિવસે પણ ઘરે પરત નહી ફરતાં તેના પરિવારજનોને નિરજને ફોન કર્યો હતો.પરંતુ આ યુવકે ફોન ઉપાડવાનું કોઈ કારણોસર જ ટાળ્યું હતું. જયારે તેના મામા ધિરજભાઈ એ તેના મિત્રોને ફોન કરતાં તેઓએ નિરજ વીશે કંઈ ખબર નથી એમ જણાવ્યું હતું.આ સમાચારથી પરીવારજનોમાં ચિંતા છવાઈ હતી અને તેઓ બધા મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા. કોલેજ તથા તેની આસપાસના વિસ્તારમાં સઘન તપાસ બાદ પણ મોડાસા ખાતે આ છાત્રનો પત્તો નહી લાગતાં અને તેના મોબાઈલનું લોકેશન શામળાજી તરફ જણાતાં ગૂમ થયેલા આ યુવકની શોધખોળ શામળાજી ખાતેના મેશ્વો ડેમની આસપાસ પણ શોધખોળ હાથ ધરાઈ હતી. આખરે આ પરિવારજનોએ પુત્ર ગૂમ થયા હોવાની ફરીયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાવી હતી. આમ ૧૮મી જાન્યુઆરીના રોજ મોડાસાથી ગૂમ થયેલ આ ઈજનેરી કોલેજના છાત્રની લાશ ૨૪ જાન્યુઆરીને સોમવારના રોજ મેશ્વો ડેમમાંથી મળી આવતાં જ પંથકમાં ચકચાર મતી હતી. શામળાજી પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં લાશથી થોડેક દૂર ડેમની કિનારીના પથ્થર પાસે વાદળી કલરની બેગ તથા બુટ મળી આવ્યા હતા.બેગમાં તપાસ કરતાં માર્કસીટ,આધારકાર્ડ અને કોલેજનું આઈકાર્ડ મળી આવ્યા હતા અને આ લાશ અગાઉ ગૂમ થયેલ છાત્ર નીરજ ની હોવાનું જણાઈ આવતાં શામળાજી પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો આવી પહોંચતાં આક્રંદ છવાયું હતું.અને આશ્ચયજનક રીતે ગૂમ થયેલા અને અંતે મોતને ભેટેલા છાત્રના મોતને લઈ તેના મામા ધીરજકુમાર લક્ષ્મીનારાયણ કુશવાહ નાઓએ શામળાજી પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી.  

(7:13 pm IST)