Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ગુજરાત હાઇકોર્ટના સણસણતા સવાલ

સરકાર પાસે લાંબા સમય માટે કોઈ પ્લાન છે? વેકિસન કેમ વેડફાય છે?

ઓનલાઈન રજિસ્ટ્રેશન છતાં વેકિસન કેવી રીતે વેડફાય છે?: દિવસની ૧૫૦ વેકિસન હોય તો ગ્રામ્ય માટે ૨૦ રિઝર્વ રાખો

અમદાવાદ, તા.૨૬: ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને હવે તો મ્યુકર્મામાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુઓમોટો કેસ પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે વેકિસનને લઈને ગુજરાત સરકારને સણસણતા સવાલ કર્યા હતા.

ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે સરકારે અત્યાર સુધીમાં વેકિસનના કેટલા ડોઝ ઓર્ડર કર્યા છે. જેના પર સરકાર તરફથી પક્ષ રજૂ કરતાં વકીલ કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ગુજરાત સરકારે ૨.૫ કરોડ ડોઝ ઓર્ડર કર્યા છે અને દેશમાં માત્ર ૨ જ કંપની વેકિસન બનાવી રહી છે. હાઇકોર્ટે સરકારને સવાલો કરતાં કહ્યું કે ગ્લોબલ ટેન્ડરિંગમાં શું વાંધો છે? તથા જેમની પાસે રજીસ્ટ્રેશન કરવાનું એકસેસ નથી તેમનું શું? ઓનલાઈન રજિસ્ટ્રેશન છતાં વેકિસન કેવી રીતે વેડફાય છે? ગુજરાત સરકારને હાઇકોર્ટે પૂછ્યું કે રાજય સરકાર પાસે લાંબા સમય માટે કોઈ પ્લાન છે?

ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે જો દિવસની ૧૫૦ વેકિસન હોય તો ગ્રામ્ય માટે ૨૦ રિઝર્વ રાખો. ૧૩૦ એલોટ કરો, ૨૦ ડોઝ સ્પોટ રજીસ્ટ્રેશન માટે રિઝર્વ રાખો. આ સિવાય હાઇકોર્ટે સરકારને સૂચવ્યું કે જે લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે તેને જલ્દી બીજો ડોઝ મળે તથા બીજા ડોઝ માટેનો સમય થયો છે એવા લોકોને સામેથી બોલાવો.

નોંધનીય છે કે કોરોના વાયરસની બીજી લહેરમાં ભારત પાસે વેકિસનરૂપે હથિયાર છે જે કોરોના સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે ત્યારે ભારત સરકારે ૧૮ વર્ષથી વધારે બધાને વેકિસન લેવા માટે મંજૂરી આપી છે ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(4:22 pm IST)