Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ગાંધીનગર નજીક સરગાસણમાં મકાન વેચ્યા બાદ ખાલી ન કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:શહેર નજીક સરગાસણમાં વર્ષ ર૦૧૭માં મકાન વેચ્યા બાદ મકાનમાં ભાડે રહીને ભાડુ નહીં ચુકવી તેમજ મકાન ખાલી નહીં કરનાર શખ્સ સામે ઈન્ફોસીટી પોલીસ મથકમાં મકાન ખરીદનાર વાવોલના રહીશે ફરીયાદ આપતાં પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.  

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે જમીન મીલ્કતો પચાવી પાડનાર શખસો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે ત્યારે સરગાસણના શખ્સ સામે પણ મકાન ખાલી નહીં કરતાં એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલમાં એન-૧૦૧સંકલ રેસીડેન્સીમાં રહેતા શંકરપ્રસાદ નારાયણપ્રસાદ શ્રીવાસ્તવે વર્ષ ર૦૧૭માં સરગાસણ ખાતે શીવરાજસિંહ પોપટજી વાઘેલાનું ૧પ લાખ રૃપિયામાં મકાન ખરીદયું હતું અને તેનો વેચાણ દસ્તાવેજ પણ કરી લીધો હતો. જો કે મકાન ખરીદયા બાદ શિવરાજસિંહે દીકરીના લગ્ન હોવાથી થોડા સમય માટે મકાન ભાડે આપવા વાત કરી હતી અને રર૦૦ રૃપિયા ભાડુ નક્કી કરી ૧૧ મહિનાનો ભાડા કરાર કર્યો હતો. જો કે શિવરાજસિંહ દ્વારા ભાડુ પણ ચુકવવામાં આવતું નહોતું અને મકાન પણ ખાલી કરવામાં આવતું નહોતું. જેના પગલે શંકરપ્રસાદે મામલે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરતાં ઈન્ફોસીટી પોલીસે શિવરાજસિંહ વાઘેલા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(4:43 pm IST)