Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

સુરતમાં દુષ્‍કર્મ આચર્યા બાદ કિશોરીએ બાળાને જન્‍મ આપતા આરોપી માસાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

સુરત: સુરતમાં કિશોરી પર દુષ્કર્મ આચરનાર માસાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સલાબતપુરા વિસ્તારામાં માતા પિતાના મૃત્યુ બાદ કિશોરી માસા સાથે રહેતી હતી. ત્યારે માસાએ ભાણી પર દાનત બગાડીને તેના પર દુષ્કર્મ  આચર્યું હતું. તેના બાદ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. DNA રિપોર્ટમાં આરોપી પીડિતાની બાળકીનો પિતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સેશન્સ કોર્ટેએ આરોપી માસાને આજીવન કેદની સજા આપતો હુકમ કર્યો છે. સાથે જ કોર્ટે માનવતા દાખવીને ભોગ બનનાર પીડિતાને 10 લાખની સહાય અને આરોપીને 7 હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી કિશોરીના પિતાનું મૃત્યુ થયું હતું. 14 વર્ષની કિશોરી પોતાનુ પેટ રળવા મજૂરીકામ કરતી હતી. માતાપિતાના મોતના થોડા સમય બાદ તેનુ પેટ બહાર આવ્યું. તેના પિતરાઈએ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા તે ગર્ભવતી હોવાનુ ખૂલ્યું હતું. ત્યારે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

કિશોરીએ પોલીસ પૂછપરછમાં તેના પાડોશમાં રહેતા માસાનું નામ આપ્યું હતું. કિશોરીની એકલતાનો લાભ લઈ માસા શૈલેષ રાઠોડે તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેઓ બળજબરી કરીને કિશોરી પર પોતાની વાસના સંતોષતા હતા. ત્યારે પોલીસે દેહભૂખ્યા માસાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.

આ બાદ દુષ્કર્મ પીડિત કિશોરીએ થોડા સમયમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. પોલીસે DNA રિપોર્ટ કઢાવતા માસા જ બાળકીનો પિતા હોવાનું ખૂલ્યુ હતું. ત્યારે DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન્સ કોર્ટેમાં આ કેસનો ચુકાદો આવ્યો હતો. પુરાવાઓને ધ્યાનમાં લઇને કોર્ટ દ્વારા આરોપી શૈલેષ રાઠોડને આજીવન કેદની સજા અને 7 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ આપવા જણાવ્યું હતું.

(5:06 pm IST)