Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

તાઉતે વાવાઝોડાથી બાગાયતીપાકો-ઉર્જા-વીજળી ક્ષેત્રને થયેલી નુક્સાનીનો સર્વે યુદ્ધના ધોરણે હાથ ધર્યો છે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજ્ય મંત્રીમંડળનીબેઠકમાં વાવાઝોડા-કોરોના સંદર્ભે થયેલી વિશદ ચર્ચા-નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા મુખ્યમંત્રી: રાજ્યમાં ૧૦૪૪૭ ગામોમાંથી ૯૯૦૦થી વધુ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત-૪૫૦ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલુ: અસરગ્રસ્ત સવા બે લાખ લોકોને ૧૦ કરોડ કેશડોલ્સ ચૂકવાઇ: ઘરવખરી સહાય ૧૫ હજાર પરિવારોને ચૂકવી અપાઇ- રવિવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે.એટલું જ નહિ, આ તિવ્ર વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ત્વરાએ શરૂ થઇ ગઇ છે.

   મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો તથા રાજ્ય સરકારની કામગીરીની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે ગત તા. ૧૭મી મે થી તા.૧૮મી મે એમ સતત ર૪-ર૬ કલાક રર૦ કિ.મી. પ્રતિકલાકથી માંડી ૬૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફંકાતા પવન સાથે ગુજરાતને ચીરીને આ તિવ્ર વાવાઝોડું પસાર થયું હતું.
‘‘રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી’’ એમ જણાવતાં વિજયભાઇ રૂપાણીએ ટિમ ગુજરાતને આવી ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠા માટે અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ વાવાઝોડાના બીજા જ દિવસે તા.૧૯મી મે એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને રૂ. ૧૦૦૦ કરોડની તત્કાલ સહાય જાહેર કરી તે માટે કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યકત કર્યો હતો.
તેમણે કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં તા.ર૦મી મે થી રિસ્ટોરેશન અને રાહત કામો રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ ત્વરાએ શરૂ કર્યા છે.
હવે, રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે અને કોઇ ગામ ડિસકનેકટેડ રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર ૩ જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તાઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડાની સૌથી વ્યાપક અસર વીજ ક્ષેત્રને થઇ છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબસ્ટેશનોને થયેલા નુકશાનને પરિણામે રાજ્યમાં ૧૦૪૪૭ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી. આ ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર ૪૫૦ ગામોમાં વીજપુરવઠો હવે શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આ વાવાઝોડાને પરિણામે વીજ કંપનીઓના રર૦ કે.વી.ના સબસ્ટેશનને થયેલ નુકશાનની મરામત માટે, પાવરગ્રીડ સમારકામ માટે કલકત્તાથી હવાઇ માર્ગે વિશેષ ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે. માત્ર અમરેલી જિલ્લામાં ૬૦૦થી વધુ ટીમ વીજળી પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ તા.ર૮મી મે સુધીમાં શરૂ કરી દેવાશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો-પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય રાજ્ય સરકારે ચુકવવાની શરૂ કરી છે તેની પણ વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સવા બે લાખ લોકોને ૧૦ કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવી છે.
એટલું જ નહિ, ૧પ હજાર જેટલા પરિવારોને પરિવાર દિઠ ૭ હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે.
  વિજયભાઇ રૂપાણીએ મકાનોને સંપૂર્ણ નાશ, અંશત: નુકશાન કે ૩૩ ટકાથી વધુ નુકશાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે ૯પ,૧૦૦, રપ હજાર અને ૧૦ હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે.
મુખ્યમંત્રીએ વાવાઝોડાને કારણે ખેતીવાડી ખાસ કરીને બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુ ના ઝાડ ધ્વસ્ત થયા છે તેનો વ્યાપક સર્વે હાથ ધરાઇ રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે એક નવતર અભિગમ અપનાવી પ્રથમવાર સવાસોથી વધુ કૃષિ વૈજ્ઞાનિકોને આવા બાગાયતી પાકોના ઝાડ-વૃક્ષો ધરાશાયી થયા છે તેને તે જ સ્થળે પૂન: સ્થાપના, ફરી વાવેતર માટેની સંભાવના ચકાસી ખેડૂતોને માર્ગદર્શન આપવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે.
આ કૃષિ વૈજ્ઞાનિકોના સર્વે બાદ તેમની સાથે જોઇન્ટ મિટીંગ કરીને તેના આધારે ખેતીવાડી વિભાગ એકશન પ્લાન તૈયાર કરશે એમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારોમાં જ્યાં મોટા પાયે આવા બાગાયતી પાકો સહિતના ઝાડ ધરાશાયી થઇ ગયા છે ત્યાં ‘ઝાડ પડી ગયું છે ત્યાં જ ફરી ઝાડ – વૃક્ષ ઉગાડવા’ના અભિગમ સાથે જાપાનીઝ થીયરી કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થીયરી અપનાવી આ વર્ષના વન મહોત્સવમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાશે અને તે અંગેનો એકશન પ્લાન પણ સંબંધિત વિભાગો બનાવશે.
  વિજયભાઇ રૂપાણીએ પ્રચાર માધ્યમો સાથેની આ વાતચીતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં પણ રાજ્ય સરકારની વ્યાપક અસરકારક કામગીરીની વિગતો રજૂ કરી હતી.
તેમણે કહ્યું કે, ઘનિષ્ઠ આરોગ્યલક્ષી સારવાર પગલાંઓને પરિણામે એપ્રિલના અંતમાં જે કેસોની સંખ્યા ૧૪ હજાર જેટલી હતી તે ઘટીને હવે ૩ર૦૦ જેટલી થઇ ગઇ છે. તેમણે કોરોનાની થર્ડ વેવની સંભાવનાઓ સામે પણ રાજ્યનું આરોગ્યતંત્ર સજ્જ છે તેમ આ તકે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં હાલ રાત્રિ કરફયુ તથા અન્ય નિયંત્રણોના સંદર્ભમાં કહ્યું કે, રાજ્ય સરકારે આ રાત્રિ કરફયુનો સમય હવે રાત્રિના ૯ થી સવારે ૬ વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય કર્યો છે.
હાલ રાજ્યમાં જે નિયંત્રણો અને ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે તેના જાહેરનામાનો સમય પૂર્ણ થયા બાદ આ નવો કરફયુ સમય ૩૬ શહેરોમાં અમલી બનશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, આ તાઉતે વાવાઝોડાને કારણે નુક્સાન પામેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પરિસ્થિતિને પૂર્વવત કરવાની તેમજ નુક્સાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં  હાથ ધરવામાં આવી રહ્યો છે અને જેમ જેમ અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો આવે છે તેમ તેમ સહાયની ચૂકવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, ‘તાઉતે’ વાવાઝોડના પરિણામે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને અનુલક્ષીને રાજ્ય સરકાર તમામ પ્રકારના આવશ્યક પગલાઓ તાત્કાલિક લઇ રહી છે અને ત્વરાએ સ્થિતી પૂર્વવત થાય તે માટે સૌ કામે લાગ્યા છે.
બાગાયતી પાક અને ખેતીવાડી વિસ્તારોમાં પણ જે નુક્સાન થયું છે એ અંગે શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, તાઉતે વાવાઝોડના પરિણામે ખેડૂતોના બગાયતી પાકને પણ ખૂબ પ્રમાણમાં નુક્સાન થયું છે. હાલ તમામ અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે ચાલી રહ્યો છે, તેમાં પણ સરકાર ઉદાર હાથે ખેડૂતોને પેકેજ આપવાનું વિચારી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી ૩ થી ૫ દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે થઇ ગયા બાદ બાગાયતી પાકને થયેલા નુક્સાન માટેના જરૂરિયાત મુજબના પેકેજની જાહેરાત પણ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઇને કરશે.
મત્સ્ય ઉદ્યોગને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તેમાં પણ નાની અને મોટી બોટોને જે નુક્સાન થયું છે તેનો પણ સર્વે ચાલી રહ્યો છે, તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવશે. એમ પણ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
 કૃષિ મંત્રી આર. સી. ફળદુએ તાઉતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં બાગાયતી પાકો તેમજ ઊનાળુ પિયત પાકોને થયેલી નુકશાનીના અંદાજો-સર્વે માટે ગ્રામસેવકોની ૪૩૭ ટીમ બનાવીને સર્વે કામગીરી વ્યાપકપણે હાથ ધરાઇ છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, ખાસ કરીને નાળિયેરી, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકોના ૧૬ લાખ ૪ર હજાર જેટલા વૃક્ષોને આ વાવાઝોડાથી નુકશાન પહોચ્યુ છે અને તે અન્વયે ૮૬ ટકા જેટલો સર્વે પૂર્ણ થઇ ગયો છે.
  ફળદુએ એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરક માર્ગદર્શનમાં કૃષિ વિભાગે સૌ પ્રથમવાર કૃષિ વૈજ્ઞાનિકોને ફિલ્ડમાં મોકલીને આવા બાગાયતી પાકોના વૃક્ષોના પૂન: સ્થાપન માટેનો અભિગમ અપનાવ્યો છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, બાગાયતી પાકો સાથે ઊનાળુ પાકો મગફળી, તલી, અડદ, બાજરો અને દક્ષિણ ગુજરાતમાં વેલાવાળા શાકભાજી પકવતા ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે પણ વિભાગે હાથ ધર્યો છે.
અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જેવા તિવ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી-બાગાયતી પાકોને થયેલી નુકશાનીનો સર્વે આખરી તબક્કામાં છે. આ સર્વે પૂર્ણ થયા બાદ સર્વગ્રાહી અભ્યાસ કરીને રાજ્ય સરકાર યોગ્ય સહાય મદદ કરશે એમ પણ કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.  
ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે ઊર્જા વિભાગની કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ‘તાઉતે’ વાવાઝોડાના પરિણામે થયેલા નુક્સાની બાદ રિસ્ટોરેશનની કામગીરીમાં સૌપ્રથમ પાયોરિટી વોટર વર્ક્સ, કોવિડ હોસ્પિટલ, ઓક્સિજન પ્લાન્ટ તેમજ મોબાઇલ ટાવરને આપવામાં આવે તેવા સ્પષ્ટ સૂચનો ઉર્જા વિભાગને આપ્યા હતા.
તદઅનુસાર, ઉર્જા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઓછા સમયગાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને જુનાગઢમાં વોટર વર્કસના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે.  
આ વાવાઝોડના પરિણામે રાજ્યની ૨૯૫ કોવિડ હોસ્પિટલમાં વીજપૂરવઠાને અસર પડી હતી તેમાંથી ૨૯૧માં તાત્કાલિક વીજપૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે. બાકીની ૪ હોસ્પિટલમાં જનરેટથી વીજપૂરવઠો અપાઇ રહ્યો છે તે પણ પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.
ઓક્સિજન પ્લાન્ટની વાત કરતાં તેમણે કહ્યું કે વાવાઝોડાથી રાજ્યના ૨૬ જેટલા ઓક્સિજન પ્લાન્ટને અસર થઇ હતી, તમામ પ્લાન્ટમાં રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના ૩૨૦૫ જેટલા મોબાઇલ ટાવર અસરગ્રસ્ત થયા હતા જેમાંથી ૩૦૫૭ની રિસ્ટોરેશનની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે, બાકીના પણ ઝડપથી કાર્યવત કરવામાં આવશે.
ઉર્જામંત્રી  સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આવેલ ‘‘તાઉતે’’ વાવાઝોડા દરમિયાન વરસાદ અને ભારે પવનને કારણે સૌરાષ્ટ્રના લગભગ બધાં વિસ્તારોમાં અને તેમાંય સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી તે તમામ જિલ્લાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ઊર્જા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વીજ થાંભલાઓ અને વીજ લાઈનોને થયેલ નુકસાન વ્યાપક પ્રમાણમાં હોઈ તમામ વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે રાજ્યના વીજ તંત્રના અધિક્ષક ઈજનેર, અધિક મુખ્ય ઈજનેર, મુખ્ય ઈજનેર અને મેનેજીંગ ડીરેકટર કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને જે વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે.  
મંત્રી પટેલે ઉમેર્યુ કે, વાવાઝોડાને કારણે આ વિસ્તારોમાં વીજ થાંભલાઓ, વીજ વાયર, વીજ ટ્રાન્સફોર્મર અને અતિ ભારે દબાણના વીજ ટાવરોને ભારે નુકસાન થયેલ છે જેના પરિણામે આ જિલ્લાઓના કેટલાક શહેરો અને ઘણાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો.
વીજ માળખાને થયેલ નુકશાન અંગે અને તેના કારણે વીજ પુરવઠો ખોરવાયેલ તે વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સતત રાત-દિવસ કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃપ્રસ્થાપિત થવાની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ૬૬ કે.વી.ના ર૧૯, ૧૩ર કે.વી.ના પાંચ અને રર૦ કે.વી.ના ૬ બસસ્ટેશનોને અસર પહોંચી છે અને વીજ પુરવઠો ખોરવાયેલ જે પુનઃ પ્રસ્થાપિત કરવા માટે રાજ્યની વીજ પ્રવહન કંપનીની ૪૦ ટીમોના ૫૦૦ થી ઉપરાંત કર્મચારીઓ અને પાવર ગ્રીડ કંપનીનીની ૧૮ ટીમોના ૬૦૦ કામદારો અને ખાનગી કંપનીઓની ૬૯ ટીમો અને ૧૩૩૪ કામદારો/કર્મચારીઓની સંયુક્ત  કામગીરી દ્વારા મોટાભાગના સબ સ્ટેશનોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ માળખાને ભારે નુકશાન થયેલ હોઇ તથા  કેટલાંક વિસ્તારોમાં ૮૦ થી ૯૦ ટકા ઉપરાંત વીજ લાઇનો, થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હોવાથી આ વ્યાપક, કઠીન અને પડકારૂપ કામગીરીને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જીલ્લામાં અન્ય વીજ વીતરણ કંપનીઓની ૧૦૦૬ ટીમો અને ૬૯૯૧ કર્મચારીઓને તાત્કાલિક જરૂરી માલ-સામાન અને વાહન સાથે મોકલી દેવામાં આવ્યો છે અને આ ટુકડીઓએ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે.
રાજ્યના કુલ ૮૮૦૦ જેટલા ખેતીવાડી વીજ ફીડરો પૈકી ૪૮૦૧ વીજ ફીડરો એટલે કે અડધાથી વધુ ખેતીવાડી ફીડરો અસરગ્રસ્ત થયા હતા જે પૈકી અત્યાર સુધીમાં ૩૫૪૭ ફીડરો પર વીજ પુરવઠો પુનઃસ્થાપિત થઇ ચૂક્યો છે અને બાકી રહેતા ૧૨૫૪ ફીડરો પર પણ સત્વરે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
રાજ્યના વીજ માળખાને થયેલ નુકશાનની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, ૨૨૦ કેવી લાઇનના ૨૭૭ ટાવર,  ૬૬ કેવી લાઇનના ૭૪ ટાવર અને ૩૦૮ ડબલ પોલ સ્ટ્રક્ચર અને ૧૩૨ કેવી લાઇનના ૨ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. તેમજ કુલ ૧,૧૬,૨૨૮ જેટલા વીજ થાંભલા, ૪૫૦૩૯ જેટલા ટ્રાન્સફોર્મર ૧૬૬૬૯ કિલોમીટર લંબાઇની ભારે દબાણની અને ૭૨૨૪ કિલોમીટર લંબાઇની હળવા દબાણની વીજ લાઇન ક્ષતિગ્રસ્ત થઇ છે.
વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના બાકી રહેતા તમામ કક્ષાના વીજ ગ્રાહકોને સત્વરે વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરના કામદારો રાત-દિવસ પ્રયત્નશીલ છે અને જેમ બને તેમ જલદીથી વીજ પુરવઠો મળે તે માટે કટિબધ્ધ છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

(6:26 pm IST)