Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

રાજ્યમાં 10,447 ગામોમાંથી 9900થી વધુ ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરાયો : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સવા બે લાખ લોકોને 10 કરોડ જેટલી કેશડોલ્સ ચૂકવાઈ :15 હજાર જેટલા પરિવારોને પરિવાર દીઠ 7 હજારની ઘરવખરી સહાય અપાઇ :રવિવાર સુધીમાં કામગીરી પુર્ણ થઇ જશે

ગાંધીનગર: રાજ્યમાં‘તૌકતે’વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે. એટલું જ નહિ, આ તીવ્ર વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ત્વરાએ શરૂ થઇ ગઇ છે.

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો તથા રાજ્ય સરકારની કામગીરીની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ગત તા. 17મી મે થી તા.18મી મે એમ સતત 24-26 કલાક 220 કિ.મી. પ્રતિકલાકથી માંડી 60 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફંકાતા પવન સાથે ગુજરાતને ચીરીને આ તિવ્ર વાવાઝોડું પસાર થયું હતું.

અસરગ્રસ્ત વિસ્તારોમાં તા.20મી મે થી રિસ્ટોરેશન અને રાહત કામો રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ ત્વરાએ શરૂ કર્યા છે. હવે, રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે અને કોઇ ગામ ડિસકનેકટેડ રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર 3 જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તાઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડાની સૌથી વ્યાપક અસર વીજ ક્ષેત્રને થઇ છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબસ્ટેશનોને થયેલા નુકશાનને પરિણામે રાજ્યમાં 10,447 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી. આ ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર 450 ગામોમાં વીજપુરવઠો હવે શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આ વાવાઝોડાને પરિણામે વીજ કંપનીઓના 220 કે.વી.ના સબસ્ટેશનને થયેલ નુકશાનની મરામત માટે, પાવરગ્રીડ સમારકામ માટે કલકત્તાથી હવાઇ માર્ગે વિશેષ ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે. માત્ર અમરેલી જિલ્લામાં 600થી વધુ ટીમ વીજળી પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે. રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ તા.28મી મે સુધીમાં શરૂ કરી દેવાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આ વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો-પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય રાજ્ય સરકારે ચુકવવાની શરૂ કરી છે તેની પણ વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સવા બે લાખ લોકોને 10 કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવી છે. એટલું જ નહિ, 15 હજાર જેટલા પરિવારોને પરિવાર દીઠ 7 હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે.

વિજયભાઈ  રૂપાણીએ મકાનોને સંપૂર્ણ નાશ, અંશત: નુકશાન કે 33 ટકાથી વધુ નુકશાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે 95,100, 25 હજાર અને 10 હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે. વાવાઝોડાને કારણે ખેતીવાડી ખાસ કરીને બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુના ઝાડ ધ્વસ્ત થયા છે તેનો વ્યાપક સર્વે હાથ ધરાઇ રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.

તેમણે પ્રચાર માધ્યમો સાથેની આ વાતચીતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં પણ રાજ્ય સરકારની વ્યાપક અસરકારક કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ઘનિષ્ઠ આરોગ્યલક્ષી સારવાર પગલાંઓને પરિણામે એપ્રિલના અંતમાં જે કેસોની સંખ્યા 14 હજાર જેટલી હતી તે ઘટીને હવે 3200 જેટલી થઇ ગઇ છે. તેમણે કોરોનાની થર્ડ વેવની સંભાવનાઓ સામે પણ રાજ્યનું આરોગ્યતંત્ર સજ્જ છે તેમ આ તકે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં હાલ રાત્રિ કરફયુ તથા અન્ય નિયંત્રણોના સંદર્ભમાં કહ્યું કે, રાજ્ય સરકારે આ રાત્રિ કરફયુનો સમય હવે રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ રાજ્યમાં જે નિયંત્રણો અને 36 શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે તેના જાહેરનામાનો સમય પૂર્ણ થયા બાદ આ નવો કરફયુ સમય 36 શહેરોમાં અમલી બનશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

(7:03 pm IST)