Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે નવા વધુ ૫૦ જેટલા સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાઇ

કોઇ અનિચ્છિનીય ઘટના સમયે કે અન્ય કોઇ કારણસર દરદીઓના સ્થાળાંતરની જરૂરીયાત ઉભી થયે સરળતાથી ઝડપી-સલામત રીતે સ્થળાંતર કરી શકાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેર સામે જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેકટર ડી.એ.શાહના પ્રજાભિમૂખ અભિગમ થકી તેઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રસાશન-આરોગ્ય તંત્ર દ્રારા જિલ્લામાં આરોગ્યલક્ષી પ્રજાકીય સુખાકારીના અનેકવિધ પગલાંઓ લેવાઇ રહયાં છે. જે અંતર્ગત રાજપીપલામાં સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૨૫ ટ્રોલીવાળા અને ૨૫ ટ્રોલી વિનાના એમ કુલ-૫૦ જેટલાં નવા સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

રાજપીપલાના સીડીએમઓ અને સિવિલ સર્જન તથા કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તાએ આજે ઉકત જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, આ હોસ્પિટલમાં આ અગાઉ ૨૫ જેટલા સ્ટ્રેચરની સુવિધા હતી. પરંતુ હોસ્પિટલમાં કોઇ અનિચ્છિનીય ઘટના ઘટે કે અન્ય કોઇ કારણોસર દરદીઓનું એક સાથે તાત્કાલિક સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે એક સાથે વધુ જથ્થામાં સ્ટ્રેચરની જરૂરીયાતને લક્ષમાં લઇને વધુ નવા ૫૦ જેટલાં સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેને લીધે ઉકત દર્શાવ્યા મુજબની કોઇ પરિસ્થિતિ ઉદભવે તો આ હોસ્પિટલના દરદીઓને તાત્કાલિક સલામત રીતે ઝડપી અને સરળતાથી ખસેડીને તેમનું સ્થળાંતર કરી શકાશે.

(10:37 pm IST)