Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

રાજપીપળામાં મળી આવેલી અજાણી માતા-પુત્રીને તેમના વતન પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલનની કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

આજદિન સુધી ૧૫૦ જેટલી કિશોરીઓ/મહિલાઓને વ્હારે આવીને તેમનું પુન: સ્થાપન, તેમના વતન અથવા જેમના કોઇ વાલી વારસ ન હોઇ તેમને નારી ગૃહ અને સ્વધાર ગૃહમાં મોકલીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો સેવાયજ્ઞ જારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકારનાં પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગ થકી નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરીના ના જણાવ્યા મુજબ તા ૧૮ મી માર્ચ, ૨૦૨૧ નાં રોજ સખી વન સ્ટોપ સેન્ટર, રાજપીપળા માં અભયમ્ દ્રારા એક અજાણી મહિલા મળી આવતાં તેમજ આ મહિલાને રહેવાની વ્યવસ્થા અને ઘરનું સરનામુ ન મળતા અભયમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લાવવામાં આવી હતી અને તે અજાણી મહિલા સાથે પાંચ વર્ષની પુત્રી પણ હતી. અજાણી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, તે પંજાબ રાજયનાં હોય તેમ લાગતાં, સેન્ટર દ્રારા દુરભાષી વ્યક્તિને બોલાવી આ બહેનનું કાઉન્સેલિંગ કરાવતાં, આ બહેન પોતાનું સરનામું યોગ્ય રીતે કહી શકતા ના હતાં. કાઉન્સેલિંગ દરમિયાન આ બહેને કહેલા ગામમાં સેન્ટર દ્વારા તપાસ કરાવવામાં આવી હતી અને તેમાં આ બહેન પંજાબ રાજયનાં સંગુર જિલ્લાનાં કાલાબંજારા ગામના  રહીશ હોવાનું જાણવા  મળ્યું ,જેથી પંજાબ રાજયનાં સંગ્રુરના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી સાથે સંકલન કરીને આ મહિલાનું આધાર કાર્ડ અને સદસ્યો સાથેના ફોટાઓ અત્રેના સેન્ટરમાં મંગાવવામાં આવ્યાં હતાં.
નર્મદા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના ગામનાં સરપંચનો સંપર્ક સાધીને મહિલાને તેમના સાસરી પક્ષ સાથે ટેલીફોનીક અને વિડીયો કોલ દ્રારા પણ વાત કરાવેલ હતી. મહિલાના ઘરનું સરનામું મળતા “સખી” વન સ્ટોપ સેન્ટર-નર્મદાનાં કર્મચારી અને પોલીસના સહયોગ થકી તેમના વતન પંજાબમાં  તેમનું પુન:સ્થાપન કરાવવામાં આવ્યું છે. આ મહિલાને  સખી વન સ્ટોપ સેન્ટરમાં એક મહિના જેટલો આશ્રય આપવામાં આવ્યો હતો.અને મહિલાને નર્મદા સ્વધાર ગૃહમાં પણ  સખી વન સ્ટોપ સેન્ટરમાં થોડા દિવસ આશ્રય અપાયો હતો. આમ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, પોલીસ સહાય થકી પીડિત મહિલા અને તેમની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડી ને પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં સખી વન સ્ટોપ સેન્ટર સહભાગી બન્યું છે.

(10:40 pm IST)