Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આડાસબંધના વહેમથી યુવકે પ્રેમિકાની હત્યા કરી નાખી

પોલીસ તપાસમાં ખુલાસો થયો : ચીખલી નજીક થાલા ગામની હદમાં અજાણી મહિલાની લાશનો ભેદ ખુલ્યો, આરોપી પ્રેમીની ધરપકડ કરાઈ

નવસારી,તા.૨૫ : ચીખલી નજીક થાલા ગામની હદમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચીખલી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ખૂલ્યું કે, મૃતક મહિલાની ગળુ દબાવીને હત્યા તેના પ્રેમી દ્વારા જ કરવામાં આવી હતી. આડા સબંધના વહેમમાં પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી પ્રેમિકાની ગળું દબાવીને પ્રેમીએ હત્યા કરી છે. ચીખલી પોલીસે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચીખલી નજીક સમરોલી તબુકલી માતાના મંદિર પાસે રહેતી શિલા નગીન હળપતિ (ઉ.વ.આ.૩૩) નામની મહિલાની લાશ સોમવારે મોડી સાંજે થાલા ગામની હદમાં આવેલ એક શોરૂમના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કાદવ કીચડમાં પડેલી હાલતમાં મળી હતી. ઘટનાની તાપસ ચીખલીના પીઆઈ એઆરવાળા દ્વારા કરવામાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક શિલાની હત્યા તેના પ્રેમી અર્જુન રીતેશ પટેલે કરી હતી.

અર્જુન પટેલે ગળુ દબાવીને પ્રેમિકા શિલાની હત્યા કરી હતી. હત્યારા પ્રેમીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતુ કે, તેની પ્રેમિકા શિલા હળપતિ છેલ્લા ઘણા સમયથી તેની સાથે લિવ ઈનમાં રહેતી હતી. પરંતુ શિલાને અન્ય કોઈક સાથે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી. સતત શંકાને કારણે અર્જુન અને શિલા વચ્ચે વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા. આ દરમ્યાન ગત ૨૧ જૂનના રોજ બપોરના સમયે અર્જુન તેની પ્રેમિકા શિલાને લઈને થાલા ગામની હદમાં ગયો હતો. જ્યાં બંન્નેએ દેશી દારૂનુ સેવન કર્યું હતું. નાસ્તો કર્યા બાદ અર્જુને શિલાનુ દબાવી દઈ તેની હત્યા કરી દીધી હતી.

(9:13 pm IST)