Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સરદાર પટેલ યુનિવર્સિટીનો નિર્ણયઃ કોરોનાથી મૃત્યુ પામનાર વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી અપાશેઃ મૃત દિકરાને પીએચડી થતા જાવાનું સપનુ તો પુરૂ ન થયુ પણ તેને ડિગ્રી મળશેઃ માતા-પિતાનો વલોપાત

અમદાવાદ: કોરોનાએ ગુજરાતમા અનેક લોકોનો જીવ લીધો છે. જેમા આશાસ્પદ વિદ્યાર્થીઓનો પણ સામેલ છે. અનેક જુવાનજોધ યુવક-યુવતીઓનો કોરોનામાં જીવ ગયો છે. કોરોનાથી મૃત્યુ પામેલા આવા જ એક વિદ્યાર્થીને સરદાર પટેલ યુનિવર્સિટીએ મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર આવો નિર્ણય કરાયો છે.

  • પીએચડીનો છેલ્લો તબક્કો બાકી હતો ત્યાં કોરોનાથી મુકેશનું મોત થયું

કોરોનાને કારણે મુકેશ ચૌબે નામના યુવકનું ગત 23 નવેમ્બર, 2020 ના રોજ મૃત્યુ થયું હતું. મુકેશ ચૌબે અલ્પેશ.એન.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થાનો વિદ્યાર્થી હતો. તે બાયો ટેકનોલોજી વિભાગમાં પીએચડી કરી રહ્યો હતો. દરિયાઈ લીલ અને શેવાળમાં મળતાં પ્રોટીન ઉપરથી મળતાં હાઈકોબીલીન પ્રોટીન ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. જે માનવીની નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ અને અલઝામયર જેવા રોગ સામે રક્ષણ આપે છે. જે પ્રમાણિત થયું હતું. 2014 થી તેની પીએચડી ચાલી રહી હતી.

  • યુનિવર્સિટીના નિર્ણયથી વિદ્યાર્થીના માતાપિતાના આંખમાંથી આસું સરી પડ્યા

મુકેશ ચૌબેની પીએચડી આ વર્ષે પૂરી થવાની હતી. તેના થીસીસ સબમીટ થઈ ગયા હતા. માત્ર વાયવા જ બાકી હતો. પરંતુ તે પહેલા જ કોરોનાની પહેલી લહેરમા તેનુ મોત નિપજ્યું હતી. ત્યારે હવે યુનિવર્સિટીએ મુકેશ ચૌબેની મરણોપરાંત પીએચડી ડિગ્રી આપવાનુ નક્કી કર્યું છે. તેના ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે તેના પેપર્સ રજૂ કર્યા હતાં. જેને યુનિવર્સિટીએ માન્ય રાખ્યા છે. આમ, મુકેશ ચૌબેનું પીએચડીનું સપનુ પૂરુ થયુ હતું. આ જાણી તેના માતાપિતાના આંખમાંથી આસુ સરી પડ્યા હતા. પોતાના મૃત દીકરાને પીએચડી થતા જોવાનુ સપનુ તો પૂરુ ન થઈ શક્યુ, પણ તેમને તેની ડિગ્રી મળશે.

(4:31 pm IST)