Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૪૪ ટકા વાલીઓ આખું શૈક્ષણિક વર્ષ બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી

અમદાવાદની બે ખાનગી શાળાઓએ વાલીઓનો સર્વે કર્યા

અમદાવાદ, તા.૨૬: શાળાઓ શરૂ કરવી કે નહીં તે વિચાર શિક્ષણ વિભાગને પણ સતાવી રહ્યો છે કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં બાળકોને શાળાએ બોલાવવા યોગ્ય રહેશે કે કેમ તે સવાલ પણ વિચાર માંગી લે તેઓ છે. ત્યારે હવે શાળાઓ પોતાના વાલીઓને જ શાળાઓ શરૂ કરવી કે નહીં તેને લઈ સર્વે કરી રહ્યા છે. અમદાવાદની બે ખાનગી શાળાઓએ વાલીઓનો સર્વે કર્યા છે. જેમાં ૪૪ ટકા વાલીઓ આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નહીં હોવાનું સામે આવ્યું છે.

 કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને માર્ચ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે ત્યારે વાલીઓમાં અસમંજસ છે કે હવે શાળાઓ કયારે ખુલશે, કયારે વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થશે. આવા સમયે અમદાવાદની ખાનગી શાળાએ પોતાના વાલીઓનો મત જાણવા સર્વે હાથ ધર્યો હતો. શાળાઓ શરૂ કરવા અંગે ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલે વાલીઓનો સર્વે કર્યો છે. જેમાં કુલ ૫ હજાર વાલીઓનો મત જાણતા ૪૪ ટકા વાલીઓ આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન પોતાના બાળકોને શાળાએ મોકલવા ઇચ્છતા નથી. ૪૦ ટકા વાલીઓ દિવાળી બાદ બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે. જયારે ૧૬ ટકા વાલીઓ સરકારી શાળાઓ ખુલ્યા બાદ એક મહિના પછી બાળકોને શાળાએ મોકલવા જણાવ્યું છે

આ સાથે અન્ય કેટલાક મુદ્દાઓને પણ ધ્યાને લઇ વાલીઓને સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં ઓનલાઇન શિક્ષણ અંગે પણ મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ૬૬ ટકા વાલીઓ ઓનલાઇન શિક્ષણથી ખુશ છે. જયારે ૮ ટકા વાલીઓ ઓનલાઈન શિક્ષણથી નાખુશ છે. ૨૬ ટકા લોકો માને છે કે હજુ ઓનલાઇન શિક્ષણમાં સુધારાની જરૂર છે.

 પરીક્ષા લેવા બાબતમાં ૫૧ ટકા વાલીઓએ ઓનલાઇન પરીક્ષા લેવા સહમતી દર્શાવી છે. ૨૧ ટકા વાલીઓ માને છે કે જૂની પેન પેપર વાળી પદ્ઘતિથી પરીક્ષા લેવાવી જોઈએ. ઓનલાઇન શિક્ષણમાં ૬૦ ટકા વાલીઓને ડીવાઈસ નો કે પછી બેન્ડવીચનો પ્રોબ્લેમ છે. સ્કૂલના સંચાલક મનન ચોકસીએ જણાવ્યું કે વાલીઓ અને શિક્ષકો સતત પૂછી રહ્યા છે કે સ્કૂલો કયારે શરૂ થશે જેથી આ પ્રકારના સર્વેનો વિચાર આવ્યો. જેમાં મહત્વના તારણો સામે આવ્યા છે.

(11:33 am IST)