Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

બાળકોને દેશની લોકશાહી અને મતદાનના મહત્વથી પરિચિત કરાવતી સાગબારાના રોઝદેવની સાર્વજનિક માધ્યમિક શાળા

બાળકો થકી વાલીઓ-ગ્રામજનોને મતદાન પ્રત્યે જાગૃત કરવા શાળા પરિવારની અનોખી પહેલ : ગામમાં પદયાત્રા યોજી મતદાન અંગે કરેલુ જાગૃત્તિ અભિયાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં પણ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવિટીના નોડલ અધિકારી અને શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાની રાહબરી હેઠળ સ્વીપ એક્શન પ્લાન અંતર્ગત સાગબારા તાલુકાની સાર્વજનિક માધ્યમિક શાળા-રોઝદેવ ખાતે વિદ્યાર્થીઓને ચૂંટણીલક્ષી બાબતોથી શાળાના શિક્ષકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

લોકશાહિના પર્વ સાથે નવા ભારતના નિર્માણ અને શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા માટે ભાવિપેઢીનું યોગદાન અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પેઢીને આપણા લોકશાહી દેશની તાકાતથી પરિચિત કરાવવાના ઉમદા આશય સાથે શાળાના શિક્ષકશ્રી અંકુશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળકોને રાજકીય પક્ષો તેમજ પક્ષના ચિન્હ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.વધુમાં દરેક નાગરિકનો એક વ્યક્તિગત મત પણ કેટલુ મહત્વપૂર્ણ છે તેની વિસ્તૃત ચર્ચા કરતા બાળકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
શાળા પરિવાર દ્વારા બાળકોને મતદાનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા નોટા-NOTA વિશે પણ સમજણ પુરી પડાઇ હતી. જે બાદ નોટા વિશે ગ્રામજનો પણ માહિતગાર થાય તેવા ઉમદા આશય સાથે બાળકો સાથે “No Nota” ના પોસ્ટર સાથે ગામમાં બાળકો દ્વારા પદયાત્રા યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા પરિવાર દ્વારા બાળકોને મતદાન અંગે જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી બાળકો પણ પોતાના વાલીઓને મતાધિકારનો ઉપયોગ કરવા અંગે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી શકે

 

(10:31 pm IST)