Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આણંદના બોરસદ પંથકના સિસ્‍વા ગામે સભા સંબોધતા કોંગ્રેસી ઉમેદવાર રાજેન્‍દ્રસિંહ પરમારે ભાંગરો વાટયોઃ 2060માં પેટ્રોલ 46 રૂપિયામાં મળતુ હતુ

2006ને બદલે 2060 બોલાઇ જતા સભામાં સન્‍નાટો છવાયો

આણંદઃ બોરસદના સિસ્‍વા ગામે જાહેરસભાને સંબોધતા કોંગ્રેસી ઉમેદવારની જીભ લપસતા એવુ નિવેદન આપ્‍યુ કે, પેટ્રોલ 2060માં 46 રૂપિયામાં મળતુ હતુ. આવુ બોલતા સભા સ્‍તબ્‍ધ થઇ ગઇ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાતનો ગઢ જીતવા રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેવામાં સ્વાભાવિક છે કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે અમુક વખતે અતિ ઉત્સાહમાં આવીને ઉમેદવાર કે નેતાઓ જનતા સામે કરેલી નિવેદનબાજીમાં મોટી ભૂલ કરી બેસતા હોય છે. આવી જ ભૂલ કોંગ્રેસના ઉમેદવારે કરી છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદના બોરસદમાં કોંગ્રેસના ઉમેદવારે સિસ્વા ગામમાં જાહેરસભા યોજી હતી. જ્યાં તેમણે ભાંગરો વાટ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશમાં 2060માં પેટ્રોલ 46 રૂપિયામાં મળતું હતું. બોરસદમાં કૉંગ્રેસના ઉમેદવારે સિસ્વા ગામમાં જાહેર સભામાં ભાંગરો વાટયો છે, જે હાલ ચર્ચાનું વિષય બન્યો છે. કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર પોતાના ભાષણમાં 2006નાં બદલે સીધા 2060માં પહોંચી ગયા હતા અને તેમણે બેબાક થઈને 2060માં પેટ્રોલ 46 રૂપિયા મળતું હતું તેવું જણાવતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદ વિધાનસભા બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે. બોરસદ છેલ્લા પાંચ ટર્મથી કોંગ્રેસનો ગઢ રહ્યું છે. આઝાદી પછી આજ દિન સુધી કોંગ્રેસ પક્ષ સિવાય કોઈ અન્ય પક્ષના ઉમેદવાર અહીં ચૂંટાઈને આવ્યા નથી. ત્યારે 2022ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ પરમારે સમર્થકોને કોંગ્રેસને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રજામાં કોંગ્રેસ વચ્ચેની લોકશાહના વધી રહી છે. આગામી પરિણામના દિવસે કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં સરકાર બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

(5:26 pm IST)