Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી તૈયારી માટે મંગળવારે ચૂંટણીપંચની બેઠક

વિડીયો કોન્ફરન્સ થકી ચૂંટણી કમિશનર કરશે સમીક્ષા

રાજકોટ તા. ર૬ :.. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. જો કે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. પરંતુ રાજય ચૂંટણી પંચે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવા માટે આગામી તા. ર૯ મી ડીસેમ્બરના રોજ બપોરે ૪ કલાકે રાજય ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે વિડીયો કોન્ફરસિંગથી યોજાશે.

રાજયની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલીકા, ૩૧ જીલ્લા પંચાયત તથા ર૩૧ તાલુકા પંચાયતના સદસ્યોની મુદત ડીસેમ્બર મહિનમાં પુરી થઇ ગઇ છે. કોરોનાના કારણે આ ચૂંટણીની મુદત લંબાવવાનો નિર્ણય કરાયો હતો. પરિણામ સ્વરૂપે જ શુક્રવારે તમામ વિભાગોના વડાને વહીવટદાર તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે. જો કે તેમને નિતી વિષયક નિર્ણય લેવાનો રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ રાજય ચૂંટણી પંચે પણ ચૂંટણીને અનુલક્ષીને તડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ મતદાર યાદીની તૈયારીઓથી લઇને અનામત બેઠકો પણ જાહેર કરી દીધી છે. આ ચૂંટણીઓ માટે ૧-૧-ર૦ર૧ ની સ્થિતિની મતદાર યાદીઓ તૈયાર કરવા માટે સંબંધિત તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે તાલીમ, સમીક્ષા  બેઠક રાખી છે. આ બેઠકમાં તમામ કલેકટરો, નોડલ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા પણ કરવામાં આવશે. આ વીડીયો કોન્ફરન્સમાં જિલ્લા માટે નકકી કરેલા માસ્ટર ટ્રેનર્સને પણ ઉપસ્થિત રહેવા જાણ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનીક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. મીટીંગોનો દોર શરૂ થઇ ગયો છે. ગઇકાલે જ કોંગ્રેસ તરફથી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીને લઇને વિવિધ કમીટીઓની જાહેરાત કરી છે. તે જ રીતે ભાજપે પણ વોર્ડ દીઠ પેજ કમીટીઓની નિમણુંક કરી દીધી છે. આમ બંને રાજકીય પક્ષોએ વધુમાં વધુ બેઠકો હાંસલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. તાજેતરમાં આ ચૂંટણીમાં આપ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખવાની હોવાની જાહેરાત કરી દેતાં ત્રિપાંખખીયો જંગ ખેલાય તેવી સ્થિતિનું સર્જન થશે.

(2:39 pm IST)