Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અમદાવાદમાં 6 મહિના પૂર્વે થયેલી મનિષાબેનની હત્‍યાના મુખ્‍ય સુત્રધાર આઇ.બી. ઓફિસર નીકળ્‍યાઃ આરોપીને પોલીસે કોર્ટમાં રજુ કર્યા

આઇબીમાં નોકરી કરતા રાધાકૃષ્‍ણ મધુકર દુધેલાના મૃતક મહિલા સાથે ત્રીજા લગ્ન હતા

અમદાવાદઃ અમદાવાદમાં એકલા રહેતા 47 વર્ષીય મનીષાબેનની હત્‍યા 6 મહિના પૂર્વે થઇ હતી. પોલીસ તપાસમાં મૃતકના પતિ રાધાકૃષ્‍ણ મધુકર અને અન્‍ય એક આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરાયા છે.

અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર વિભાગ 1માં રહેતી 47 વર્ષીય મહિલાના મોતને છ મહિના બાદ વેજલપુર પોલીસે મૃતક મહિલાના પતિ અને આઇબી ઓફિસરની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોતાના ઘરે એકલા રહેતા 47 વર્ષીય મનીષા દુધેલાની તિક્ષણ હથિયાર વડે હત્યા કરાઈ હતી. જેને લઇ મૃતકની માતાએ 22 જુલાઈ 2022 નાં રોજ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરતા તેલંગાણા ખાતેથી આરોપી ખલિલુદ્દીનને ઝડપ્યો હતો. જેની પૂછપરછ કરવામાં આવતા હૈદરાબાદના અન્ય એક આરોપીનું નામ પણ સામે આવ્યું હતું. આરોપીઓની પૂછપરછ બાદ મૃતકના પતિ અને ભોપાલ ખાતે સેન્ટ્રલ આઇબીમાં ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાધાકૃષ્ણ મધુકર દુધેલાનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ ખૂલ્યું હતું. આ કેસમાં રાધાકૃષ્ણ મધુકર દુધેલા પોતે ફરાર હતો.

મૃતકના પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલાની વાત કરીએ તો તેના મૃતક મનીષાબેન સાથે ત્રીજા લગ્ન હતા. બંનેએ ઓનલાઇન વેબસાઈટનાં માધ્યમથી લગ્ન વર્ષ 2014માં કર્યા હતા અને હૈદરાબાદમાં સ્થાયી થયા હતા પંરતુ એક વર્ષ બાદ બંને વચ્ચે મનભેદ થતા મનીષાબેન અમદાવાદ પરત ફર્યા હતા. લગ્નજીવન અંગે બંને વચ્ચે કોર્ટ કેસ થયો હતો. કોર્ટે રાધાકૃષ્ણ મધુકર દુધેલાને તેમની પત્નીને દર મહિને 40 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. મૃતકના પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલાનાં દાવા મુજબ મનીષાબેનની રેકી કરવા માટે તેણે ખલીલને કામ સોંપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પોલીસે વધુ તપાસ અર્થે મૃતકના પતિ કે જે સેન્ટ્રલ આઇબીમાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતો હતો તેની ધરપકડ કરી, કોર્ટમાં રજૂ કર્યા બાદ 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ હત્યાના કેસમાં હજુ વધુ બે આરોપી વોન્ટેડ છે.

(5:06 pm IST)