Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

દશામાંના વ્રત દરમિયાન ઢોંગીઓથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ

આણંદમાં દશામાંથી સાંઢણીમાંથી ઘી નીકળવાનો પર્દાફાશ કરાશે : ધુણીને છેતરપીંડી કરનારાઓ ઉપર જાથા કાનુની કાર્યવાહી કરશે : વ્રતની પૂર્ણાહુતિએ મુર્તિઓને પીવાના પાણીમાં વિસર્જન નહીં કરવા અનુરોધ : વિજ્ઞાનના કારણે અવતારો, ચમત્‍કારો, પરચા બંધ થયા.. દશામાંની ભૂઇના પરચાયુગ જાથાના કારણે સમાપ્‍ત થયો હોવાનો ભારત વિજ્ઞાન જાથાના જયંત પંડયાનો દાવો

રાજકોટ તા. ૨૭ : શ્રાવણ માસની એકમથી દસમ સુધી એટલેકે તા. ૨૯ જુલાઇથી ૭ મી ઓગસ્‍ટ સુધી દેવી દશામાંના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. દશામાંના વ્રતનું ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ વિધાન થાય, ઉજવણી શ્રધ્‍ધા પ્રમાણે કરવામાં આવે તેની સામે વાંધો ન હોય શકે પરંતુ દશામાંના નામે લેભાગુઓ, ભુવા-ભારાડી, ભુઇમા, તકસાધુઓ જે ચમત્‍કારો અને યુક્‍તિ, પ્રયુક્‍તિ કરી છેતરપીંડી કરે છે તેની સામે ભારત જન વિજ્ઞાન જાથાનો સખત વિરોધ હોવાનું જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે જાથાના જનજાગૃતિના પ્રયાસોથી જ છેલ્લા ઘણા સમયથી દશામાના ભૂઇમાના પરચા કે અવચાર - ચમત્‍કારના કિસ્‍સા ઓસરવા લાગ્‍યા છે. જે ધાર્મિક ઉન્‍માદ છે તેમાં જાથા વિવેકથી કામગીરી કરે છે. ધાર્મિક વ્રતો સામે કોઇ વાંધો ન હોઇ શકે, જે ખોટુ થાય તેની સામે વાંધો હોય. વ્રતની ઉજવણીના અંતિમ દિવસે મૂર્તિ વિસર્જન સમયે પણ વ્રત કરનારાઓ થોડી સમજણ દાખવે અને પીવાના પાણીના જળાશયોમાં મૂર્તિ વિસર્જન ન કરે તેવી જાથાની અપીલ છે. વિજ્ઞાન જાથાએ રાજયમાં જિલ્લા મથકોએ કાર્યવાહક સમિતિ બનાવી છે. વ્રતના દશ દિવસ સુધી ઢોંગી ભુવા-ભુઇમા  કે લેભાગુઓ ઉપર નજર રાખશે. છેતરપીંડીના પુરાવા અને ફરીયાદો મળ્‍યે પોલીસમાં જાણ કરાશે. આણંદમાં દશામાની સાંઢણીમાંથી ઘી નીકળવાની વાત છે તેનો  વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરાશે. તેમ અંતમાં જન વિજ્ઞાન જાથાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ એક યાદીના અંતમાં જણાવેલ છે.

(11:32 am IST)