Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

આજે અને ૨૯મીએ રાજકોટ જિલ્લામાં વીજળી મહોત્સવ : ૩૧મીએ નરેન્દ્રભાઇ વીસી દ્વારા સંબોધશે

સરકાર દ્વારા વીજ ક્ષેત્રે ખાસ કામગીરી - સિધ્ધિઓ ઉપરાંત ૨૦૪૭ની અપેક્ષાઓની ઝાંખી કરાવાશે

રાજકોટ તા.૨૭ : 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી અંતર્ગત વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ઘિઓને જન-જન સુધી પહોંચાડવા માટે તા. ૨૫ જૂલાઈથી ૩૦ જૂલાઈ સુધી દેશના ૭૭૩ જિલ્લામાં ઉર્જા મંત્રાલય અને MNRE, રાજય અને કેન્દ્ર સરકારના સહયોગથી 'ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય' વીજળી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરેક જિલ્લામાં બે સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા.૨૭ અને ૨૯ ના રોજ ધોરાજી અને જસદણ એમ બે તાલુકામાં કાર્યક્રમો યોજાશે.

રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં તા. ૨૭ જુલાઈના રોજ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન તથા તા. ૨૯ જુલાઈના રોજ જસદણ તાલુકા અંતર્ગત આર. કે. યુનિવર્સિટી ઓડિટોરીયમ, ત્રંબા ખાતે વીજળી મહોત્સવ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે  ૩૧ જૂલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાર્યક્રમના સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને સંબોધિત કરવાના છે કાર્યક્રમમાં વિદ્યુતક્ષેત્રની વિવિધ રાજયોની પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મો, લાભાર્થીઓના પ્રતિભાવ, લોકોને વીજળી બચાવવા અંગે માહીતગાર કરવામાં આવશે.

(11:42 am IST)