Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

આણંદમાં દશામાંની સાંઢણીની મુર્તિમાંથી ઘી વહેતુ હોવાની વાત પોકળ પુરવાર : વિજ્ઞાન જાથાનો ૧૨૦૮ મો પર્દાફાશ

માતાજી પર શ્રધ્‍ધા ધરાવનારાઓની લાગણી સાથે ખીલવાડ કરનારાઓ ખુલ્લા પડયા : પોલીસને સાથે રાખી પહોંચેલી જાથાની ટીમે સ્‍થળ તપાસ કરી ખરૂ સત્‍ય લોકોની સમક્ષ મુકયુ : તુત કરનારાઓએ ભુલ કબુલી માફી માંગી

રાજકોટ : આણંદ સ્‍ટેશન રોડ પર આવેલ રોશન પ્‍લાઝા ખાતે દશામાની મુર્તિઓના વેંચાણ દરમિયાન સાંઢણીની આંખ અને જીભમાંથી ઘી નો પ્રવાહ વહી રહ્યો હોવાની ચમત્‍કાર જેવી વાતો પ્રસરતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સ્‍થળ તપાસ કરી આ તુતનો પર્દાફાશ કર્યો હતો.

જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે કે આણંદના આ કિસ્‍સામાં ભુવા આકાશબાપુ મનહરભાઇ ચાવડા અને ચેલકી મલિકા નારણ વાઘેલાએ જાતે આ ડીંડક શરૂ કર્યુ હતુ. પરંતુ જાથાની ટીમ પોલીસનો સહયોગ લઇ પહોંચી જતા આ બન્નેએ પોતાની ભુલ કબુલી માફી માંગી લેતા જાથાનો આ ૧૨૦૮ મો સફળ પર્દાફાશ કાર્યક્રમ થયો હતો.

જાથાની ટીમે સ્‍થળ પર જઇ નિરીક્ષણ કરતા દેવી શ્રી દશામાના નામે લોકોની આસ્‍થા-શ્રધ્‍ધા સાથે ખીલવાડ થતો હોવાનું જણાઇ આવ્‍યુ હતુ. જે મૂર્તિમાંથી ઘી નિકળતુ હોવાની વાત હતી તેની તપાસ કરતા વનસ્‍પતિ ઘીના નાના કદના ટુકડા  અને સાથે લોટનું મિશ્રણ એવી રીતે લગાવેલુ જોવા મળેલ કે જે પ્રવાહ વહેવાની વિરૂધ્‍ધ દિશામાં હતા. માત્ર લોકોની લાગણી સાથે ખીલવાડ કરવા અને વેપાર વધારવાનું તર્કટ હોવાનું સ્‍પષ્‍ટ થઇ આવતુ હતુ.

પોલીસ અને જાથાના સભ્‍યોએ કડક મિજાજના દર્શન કરાવતા સૌપ્રથમ નારણભાઇ વાઘેલાએ ભુલ કબુલી લીધી હતી અને માફી માંગી હતીી. બાદમાં મલિકાની પુછપરછ હાથ ધરાતા તેણે આકાશબાપુનું નામ ધરી દીધુ હતુ. પરિસ્‍થિતિ પામી ગયેલા ભુવાએ પણ તુરંત કબુલાત આપી માફા માફી કરી લેતા મામલો અહીં પૂર્ણ કરી દેવાયો હતો.

આમ આણંદમાં માતાજીની મૂર્તિમાંથી ઘી નિકળવાની વાત ખોટી ઠરી હતી. આ સફળ પર્દાફાશ કામગીરીમાં રોમીત રાજદેવ, વિનોદ વામજા, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહીલ તેમજ સ્‍થાનીક કાર્યકરો તથા પોલીસ સ્‍ટાફમાં પી.એસ.આઇ. આર.સી. નાગોલ, એ.એસ.આઇ. સરલાબેન નાનજીભાઇ, પો.કોન્‍સ. દેવીકાબેન ભગવાનભાઇ, પો.કોન્‍સ. મહેન્‍દ્રસિંહ રાવજીભાઇ, પો.કોન્‍સ. સુરાભાઇ માયાભાઇ વગેરે સાથે રહ્યા હતા. તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)