Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

વડોદરામાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી આપવાના બહાને ભેજાબાજે મહિલાને 65 હજારનો ચૂનો લગાવતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના ડભોઇ રોડ પર રહેતા LIC એજન્ટના પત્નીને ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલીવરી આપવાનું કહી ઓનલાઈન સંપર્ક કરનાર અજાણ્યા ઇસમે રૂપિયા 65 હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપીંડીનો ભોગ બનેલ મહિલાના પતિએ ભેજાબાજ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના સન ક્લાસિક ડુપ્લેક્ષ ડભોઇ રિંગ રોડ પર મહેન્દ્રભાઈ ત્રીવેદી પરિવાર સાથે રહે છે. અને તેઓ LIC એજન્ટ તરીકેનું કામ કરે છે. તેમની પત્ની રોહિણીએ કંપનીની વેબસાઈટ પર 499 ભરીને ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરાવ્યું હતું. જે બાદ તેઓને અલગ અલગ મોબાઈલ નંબર પરથી અજાણ્યા ઈસમોએ કંપનીના એક્ઝિક્યુટિવના નામે ફોન કરી સંપર્ક કર્યો હતો. અને નોંધણી માટે બનાવટી ઇમેઇલ આઈડી પર ફરિયાદીના પત્નીને આધાર કાર્ડ,પાનકાર્ડ સહિત બુકિંગ સ્લીપની કોપી મંગાવી હતી. મહિલાને વિશ્વાસમાં લઈને ઇલેકટ્રીક સ્કૂટરની ડિલિવરી આપવા માટે બેન્ક એકાઉન્ટ નંબર આપીને અજાણ્યા ઈસમોએ રૂપિયા ભરવાનું જણાવ્યું હતું. જેના આધારે મહેન્દ્રભાઇ ત્રીવેદીની પત્ની રોહિણીબેને 24 અને 26 નવેમ્બર 2021 માં 26 હજાર અને 39 હજાર રૂપિયા એમ મળી કુલ 65000 રૂપિયા ભેજાબાજે મોકલેલા એકાઉન્ટમાં એન.ઇ.એફ.ટી થી ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ વ્હિકલ કંપનીના નામે આવેલા ફોન નંબર બંધ થઈ ગયા હતા.

(5:24 pm IST)