Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર :શિક્ષણ બોર્ડે જાહેર કર્યું શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે : ધોરણ 9 થી 12ની પ્રથમ અને દ્વિતીય પરીક્ષાની તારીખો અપાઈ

અમદાવાદ :  ગુજરાતના ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડમાં  અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય પ્રવૃતિના કેલેન્ડરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે.

બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022 - 23 માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે પ્રથમ સત્ર શૈક્ષણિક કાર્ય 104 દિવસનું જ્યારે બીજી સત્ર 137 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. દિવાળી વેકેશન 20 ઓકટોબર થી 9 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે

ધોરણ 9 થી 12ના વિધાર્થીની પ્રથમ અને બીજી પરીક્ષાની તારીખ પણ બહાર પાડવામાં આવી છે. ઉપરાંત ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી પ્રારંભ થશે. સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા  10 ઓકટોબર થી 18 ઓકટોબર 2022 માં લેવામાં આવશે.આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ પૂરું થયા બાદ વર્ષ 2023 - 24 નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023 થી શરૂ કરવામાં આવશે.

(11:50 pm IST)