Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસને ફટકોઃ વડગામના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું

હજુ કોઇ બીજા પક્ષમાં જોડાવવા નિર્ણય ન કર્યાનો ખુલાસો

ગાંધીનગર :ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યું. હજી સુધી પક્ષના પ્રમુખ માટે હુંસાતુંસી ચાલી રહી છે, ત્યારે નારાજગીનો દોર અટકી રહ્યો નથી. 2022 ની ચૂંટણી નજીક છે તે પહેલા જ પક્ષના દિગ્ગજ નેતાએ રાજીનામુ આપ્યુ છે. વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ પક્ષને પોતાનું રાજીનામુ સોંપ્યુ છે. તેમણે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કાર્યશૈલીથી નારાજ થઈને રાજીનામું આપ્યુ હોવાનું કારણ પત્રમાં રજૂ કર્યુ છે. 

2017ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી માટે મણીભાઈ વાઘેલાની સીટ ખાલી કરાવાઈ હતી. કોંગ્રેસે મણીભાઈની ટિકિટ કાપી હતી. જેથી પહેલેથી જ તેમની પક્ષ તરફ નારાજગી હતી. સમગ્ર ઘટનાથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને જાણ કરતો પત્ર લખી તેમણે રાજીનામું આપ્યુ છે. જોકે, તેઓ બીજા કોઈ પક્ષમાં જોડાવાના છે કે નહિ તે અંગે કહ્યું કે, હજુ સુધી બીજા કોઈ પક્ષમાં જોડાવા નિર્ણય લીધો નથી.

(5:22 pm IST)