Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પંચાયતની ચૂંટણી જાહેર થવા છતાં નર્મદા જિલ્લામાં એક પણ સ્વતંત્ર ગ્રામ પંચાયત ન ફળવાતા આમુ સંગઠનમાં રોષ

ગુજરાત સરકાર નર્મદા જિલ્લા માં સ્વતંત્ર ગ્રામ પંચાયત નથી ચાહતી અને નર્મદા જિલ્લા સાથે અન્યાય કરે છે તેવા આક્ષેપો આ.મુ સંઘઠન પ્રમુખ મહેશ વસાવા એ લગાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લા આ.મુ સંઘઠન દ્વારા નર્મદા જિલ્લાના 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તેવી માંગણી કરાઈ રહી છે, હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે છતાં પણ નર્મદા જિલ્લાના એક પણ ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત ન ફળવાતા આ.મુ સંગઠન પ્રમુખ મહેશ એસ વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને ચૂંટણી પહેલા નાંદોદ તાલુકાની 4 ગામોની સ્વતંત્ર ગ્રામ પંચાયતની દરખાસ્ત મંજુર કરવામાં આવે તેવી માંગ કરી હતી

આઝાદીના પછી પણ ગુજરાતના આદિવાસી બહુ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના 314 ગામોને નિયમ મુજબ અલગ ગ્રામપંચાયતનો દરજ્જો ન મળ્યો હોવા બાબત સામે આવી હતી અને નર્મદા જિલ્લાનું આમુ (આદિવાસી મૂળ નિવાસી) સંગઠન એવા ગામડાઓના લોકોને ન્યાય અપાવવા મેદાને આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સ્વતંત્ર ગ્રામ પંચાયતની માંગણીને લઇ અનેક રજૂઆતો થઈ વિરોધ પ્રદર્શન થયા તેમજ ધરણા પણ થયા ત્યારે સરકારે ચૂંટણી પહેલા રાજ્યની મોટી ગ્રામ પંચાયતોનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત ફાળવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છતાં નર્મદા જિલ્લાના 314 ગામો માંથી એક પણ ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત નથી મળી ઉપરાંત નાંદોદ તાલુકાના 4 ગામોની સ્વતંત્ર ગ્રામ પંચાયતની દરખાસ્ત પાસ ન કરીને સરકાર વારંવાર પુરતતા માંગતી હોય છે જેને લઈને ગુજરાત સરકાર નર્મદા જિલ્લા માં સ્વતંત્ર ગ્રામ પંચાયત નથી ચાહતી અને નર્મદા જિલ્લા સાથે અન્યાય કરે છે તેવા આક્ષેપો આ.મુ સંઘઠન પ્રમુખે લગાવ્યા હતા તેમજ ચૂંટણી પહેલા નાંદોદ તાલુકાના 4 ગામોની મોકલેલી દરખાસ્ત મંજુર કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી હતી.

(11:28 pm IST)