Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રમાડની સીમમાં રજૂઆતના પાંચ વર્ષ બાદ દ્રોણ નદી પર ચેકડેમનું કામકાજ શરૂ કરવામાં આવશે

અરવલ્લી: જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરીયાળ એવા પછાત વિસ્તારોમાં પ્રજાજનો શિયાળાની શરૂઆતથી પાણીની કારમી તંગી અનુભવી રહયા હતા. છેલ્લા પાંચ વર્ષથી પંથકમાંથી પસાર થતી દ્વોણ નદી ઉપર જરૂરી ચેકડેમો માટે લડત અપાઈ રહી હતી. પરંતુ આખરે અગ્રણીઓ અને ગ્રામજનોની ન્યાયિક લડત અને તપ ફળ્યુું હોય એમ રમાડ ગામે નદી તટમાં ચેકડેમના પાયા ખોદાતાં મોટી રાહત વર્તાઈ હતી.

મેઘરજથી આશરે ૨૦ કિ. મી. દૂર અને પરપ્રાંત રાજસ્થાનને અડીને આવેલા નાનીપડુલીથી મોટીમોરી ગામ માર્ગ વચ્ચેના રમાડ ગામના અને આસપાસના પંથકના ગ્રામજનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચેકડેમની માંગ કરાઈ રહી હતી. પંથકમાં શિયાળાની શરૂઆતથી વર્તાતી પાણીની કારમી તંગીથી ત્રસ્ત રમાડ,ભડવચ સહિતના ગ્રામજનો દ્વારા વાત્રક નદીની પુંછ એવી દ્વોણ નદીમાં ચેકડેમ બનાવવા માંગ કરાઈ રહી હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તંત્ર મચક આપતું હતું. ચેકડેમ  ની માંગને લઈ રજુઆતો,આવેદન પત્રો સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.અને અગાઉ તો ગ્રામજનોએ લોકફાળો એકઠો કરી નદીમાં પથ્થરનો ચેકડેમ પણ બનાવ્યો હતો.પરંતુ રાજકીય આગેવાનોથી માંડી તંત્રના અધિકારીઓ માત્ર આશ્વાસન સીવાય કંઈ આપી શકતા હતા.આખરે પંથકના અગ્રણી અને ખેડૂત એકતામંચના પ્રમુખ બંસીભાઈ ડેડુણની રાહબરી હેઠળ મોટા પંડુલીથી મોડાસા સુધીની ૫૦ કીમીથી વધુ અંતરની પદયાત્રા યોજાઈ હતી.અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહિતની પદયાત્રા છેક મેઘરજ સુધી આવી પહોંચતા તંત્ર હરક્તમાં આવ્યું હતું. અને ગ્રામજનોની વર્ષો જુની ચેકડેમ બાંધવાની માંગ સ્વીકારાઈ હતી.

(6:12 pm IST)