Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. ૯૦૦ કરોડના ખર્ચે આરોગ્યલક્ષી સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધાઓનું નિર્માણકાર્ય પ્રગતિમાં: ગુજરાતમાં મેડિકલ કૉલેજ અને તબીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે: મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન કરવામાં આવ્યું હતુ.
આરોગ્ય મંત્રી શ્રીએ જણાવ્યું કે, 'પ્રેક્ટિકલ હેન્ડબૂક ઓફ ટેમ્પોરલ બોન્ડ અને મિડલ ઈયર ક્લેફ્ટ'એ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સર્જીકલ માર્ગદર્શિકા છે જેનો ધ્યેય સર્જીકલ પ્રક્રિયાના અનુસરણ અને તેના મહત્વની ઊંડાણપૂર્વક સમજૂતી આપવાનો છે. જેનાથી સર્જરી સહજ અને સરળ રીતે કરી શકાશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાઈ એન્ડ માઈક્રોસ્કોપ કૌશલ્ય સર્જરી માટે સ્કીલ લેબ અને પ્રેક્ટિકલ હેન્ડ બુક ઓફ ઇયર સર્જરીનું લોકાર્પણ કરતા મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. આજે ભારત વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરીને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધ્યું છે. ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે બહુઆયામી વિકાસ સાધ્યો છે. અગાઉ  આપણે આરોગ્ય ક્ષેત્રે અન્ય પાસેથી યંત્રો લાવીને સર્જરી કરતા હતા, જ્યારે આજે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અને માળખાકીય સુવિધાઓમાં સતત વિકાસના પરિણામે હોસ્પિટલમાં મોંધાથી મોંધા ઉપકરણો વિકસાવવામાં આવ્યાં છે. આજે ગુજરાતે આરોગ્ય સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસની ગતિને વેગ પકડ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ બનાવવાના જોયેલા સ્વપ્નને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આગળ વધારી રહી છે. જેના પરિણામે આજે રાજ્યમાં 36 મેડિકલ કૉલેજ ઉપલબ્ધ બનતા 6700 જેટલા અન્ડર ગ્રેજ્યુએટ એમ.બી.બી.એસ. ડૉક્ટર્સ દર વર્ષે ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ બનાવીને યુ.જી. ઉપરાંત પી.જી. અને સ્પેશ્યલ ડૉકટર્સની સંખ્યામાં પણ વધારો કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે તેમ તેમણે કહ્યું હતુ.
તેમણે વધુમા જણાવ્યું કે, રાજ્ય સરકારના દર્દીલક્ષી અભિગમ અને પ્રયાસોના પરિણામ સ્વરૂપ ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 900 કરોડના ખર્ચે આરોગ્યલક્ષી સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધાઓના નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે.જેના થકી આ બંને હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
કોરોના રસીકરણના સંદર્ભમાં મંત્રી શ્રીએ જણાવ્યું કે , કોરોના મહામારીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિશ્વના અન્ય દેશો સમક્ષ ભારતની ક્ષમતાનો પરચો બતાવ્યો છે. તાજેતરમાં જ દેશમાં વિકસેલી સ્વદેશી કોવિશીલ્ડ અને કો-વેક્સીન દુનિયાની શ્રેષ્ઠ રસીઓમાં સ્થાન મેળવ્યું છે જે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને સરળતાથી શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધરીને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની સહાય ને રૂ. 10 લાખ કરવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે જેની શરૂઆત થોડાક દિવસોમાં કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
અંતે તેમણે દાતાશ્રીઓના યોગદાન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ સોલા સિવિલ મેડિકલ કોલેજ અને હોસ્પિટમાં ડૉક્ટરોના સફળ પ્રયત્નોને બિરદાવ્યા હતા અને આવી જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ થતો રહે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના મેડિકલ એજ્યુકેશનના એડિશનલ ડાયરેક્ટર ડૉ. રાધવેન્દ્ર દીક્ષિત, સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. દીપિકા સિંધલ, જી.એમ.ઇ.આર.એસ. સોલા કૉલેજના ડીન ડૉ. નિતીન વોરા, ઇ.એન.ટી. વિભાગના વડા ડૉ. નીના ભાલોડિયા સહિત ડોક્ટર્સ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:16 pm IST)