Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા કરા સાથે કસોસમી વરસાદ પડ્યો

શિયાળુ પાકને ભારે નુકશાન

અમદાવાદ,  અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો.

ત્યારે લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનુ પણ અનુભવ કર્યો હતો. જ્યારે બીજી તરફ વાતાવરણમાં પલ્ટાના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં આવેલ પલ્ટાના કારણે લોકોએ બે ઋતુનો અનુભવ કર્યો હતો. ત્યારે અચાનક વાતાવરણમાં આવેલ પલ્ટાના કારણે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી તરફ ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરેલ બાજરી, ઘઉં, કપાસ સહિતના પાકને ભારે નુકશાન પહોંચતા ખેડૂતોને પડતા પર પાટુ તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત, ખેડા, નડિયાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આવેલ પલ્ટાના કારણે ખેડૂતને ભારે નુકશાન પહોંચવા પામ્યો હતો.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત બાદ સાંજના સુમારે એકાએક અમદાવાદમાં બરફના કરા સાથે વરસાદ પડવાનો શરૂ થતા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે રસ્તા પર લારી લઈને ઉભેલા લારીવાળા પણ વરસાદમાં શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુઓ ભીની ન થાય તે માટે અન્યત્ર જગ્યા શોધી લીધી હતી. તો ખરીદી અર્થે નીકળેલ શહેરીજન પણ વરસાદ શરૂ થતા વરસાદ બંધ થવાની રાહ જોતા ઉભા રહ્યા હતા. ત્યારે અમદાવાદના નરોડા, વેજલપુર સહિતના વિસ્તારોમાં એકાએક વરસાદ શરૂ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વરસાદ ચાલુ થતા જાનૈયાઓમાં નાસભાગ

કમુરતા પૂર્ણ થતા હાલમાં લગ્નની સીઝન પુરબહારમાં જામી છે. ત્યારે અત્યારે ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં લગ્ન સમારંભ ચાલી રહ્યા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક વરસાદ પડવાનો શરૂ થતા જમવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

(11:33 pm IST)