Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

પંચાંગ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ શ્રાવણ માસની તવારીખ

શ્રાવણી પૂનમે મોટાભાગે શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર હોય છે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર છે. શ્રાવણ માસની તવારીખ અંગે પંચાંગ ગણિત અને ખગોળના અભ્યાસી ભૂપેન્દ્રભાઇ ધોળકિયાએ રસપ્રદ વિગતો જણાવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તા. ૨૯ જુલાઇ શુક્રવારથી  કાર્તિકી વિક્રમ સંવત ૨૦૭૮ના પવિત્ર શ્રાવણ માસનો આરંભ થાય છે. અષાઢી અમાસ (દિવાસો)થી કારતક સુદ એકાદશી (તુલસી વિવાહ) સુધી સળંગ સો જેટલા દિવસો લગભગ તહેવાર જેવા લાગે છે. શહેર- નગર વચ્ચેના તથા વનવગડાનાં અંતરિયાળ શિવાલયો શિવભક્તિના નાદથી ગુંજી ઊઠશે. સુપ્રસિધ્ધ બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્રનું સોમનાથ  ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસનું નામ આવ્યુ છે. શ્રાવણી પૂનમે મોટાભાગે શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર હોય છે. આ વર્ષે  શ્રાવણ માસમાં ચાર સોમવાર છે.  શ્રાવણ માસની તવારીખ અંગે પંચાંગ ગણિત અને ખગોળના અભ્યાસી ભૂપેન્દ્રભાઇ ધોળકિયાએ રસપ્રદ વિગતો જણાવી છે. 
* અંગ્રેજી તારીખની તુલનામાં વહેલો શ્રાવણ (૧) તા. ૧૭-૭-૧૮૯૦ ગુરુવાર, (૨) તા. ૧૮-૭-૧૮૭૧ મંગળવાર, (૩) ૧૯-૭-૧૮૯૮ મંગળવાર, (૪) તા. ૧૯-૭-૧૯૩૬ રવિવાર, (૫) તા. ૨૦-૭-૨૦૧૨ શુક્રવાર. 
* અંગ્રેજી તારીખની તુલનામાં મોડો શ્રાવણ (૧) તા. ૧૭-૮-૧૯૪૭ રવિવાર,  (૨) તા. ૧૭-૮-૧૯૬૬ બુધવાર, (૩) ૧૭-૮-૧૯૮૫ શનિવાર, (૪) તા. ૧૭-૮-૨૦૦૪  મંગળવાર, (૫) તા. ૧૭-૮-૨૦૨૩ ગુરૂવાર

 * અધિક માસ તરીકે શ્રાવણ : (૧) ઇ.સ. ૧૯૩૯ (૨) ૧૯૪૭ (૩) ૧૯૫૮ (૪) ૧૯૬૬ (૫) ૧૯૭૭ (૬) ૧૯૮૫ (૭) ૨૦૦૪માં અધિક શ્રાવણ માસ હોવાથી બે શ્રાવણ માસ હતા. હવે આવતા વર્ષે  ઇ.સ. ૨૦૨૩માં અધિક શ્રાવણ માસ આવે છે.

 * ઇ.સ. ૨૦૨૨ના વર્ષની માફક અગાઉ (૧) ઇ.સ. ૧૮૭૦, (૨) ૧૯૦૮, (૩) ૧૯૨૭, (૪) ૧૯૪૬, (૫) ૧૯૬૫, (૬) ૧૯૮૪ માં શ્રાવણ માસનો આરંભ તા. ૨૯ જુલાઇના દિવસે હતો આજથી એકસો વર્ષ અગાઉ  શ્રાવણ માસનો આરંભ વિક્રમ સંવત ૧૯૭૮ના વર્ષમાં તા. ૨૫-૦૭-૧૯૨૨ને મંગળવારે થયો હતો. 

* આજથી એકસોપચાસ (દોઢસો)  વર્ષ અગાઉ  શ્રાવણ માસનો આરંભ વિક્રમ સંવત ૧૯૨૮ના વર્ષમાં તા. ૦૫-૦૮-૧૮૭૨ને સોમવારે થયો હતો.  
* આવતા વર્ષે શ્રાવણ માસનો આરંભ તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ને ગુરુવારે થશે
 શ્રાવણ માસની શિવપૂજા: શ્રાવણ માસમાં પહેલા સોમવારે શિવપૂજા ડાંગર (ચોખા) થી, બીજા સોમવારે શિવપૂજા તલથી, ત્રીજા સોમવારે શિવપૂજા મગથી, ચોથા સોમવારે શિવપૂજા જવથી કરવાનો અને પાંચમો સોમવાર હોય ત્યારે શિવપૂજા સતુ (સાથવા)થી કરવાનો મહિમા છે. આની પાછળ કૃષિ વાવેતરમાં સમતુલન જાળવવાનો સંદેશ છે. શાણો અને સમજદાર ખેડૂત કોઇ એક જ પાકને બદલે ધાન્ય, કઠોળ, તેલીબિયા વગેરેની ખેતી કરવાનું ઉચિત માને છે.
આલેખન: ભૂપેન્દ્ર  ધોળકિયા  (મો. ૯૮૭૯૫૬૨૯૨૬)
સંયોજક: પંચાંગ ખગોળ અધ્યયન મંડળ, અમદાવાદ

(7:52 pm IST)