Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

લમ્પી સ્કીન ડિસીઝ સામે સઘન પશુ રસીકરણ, સારવાર અને રોગ નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

સંઘો અને ડેરીઓ સભાસદ પશુપાલકો સહિત તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ગામોના પશુધનને આ લમ્પી સ્કીન ડિસીઝથી રક્ષણ આપવા માટેની વેક્સિન, રસીકરણની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજ્યમાં પશુધનમાં ફેલાઇ રહેલા લમ્પી સ્કીન ડિસીઝ સામે સઘન પશુ રસીકરણ, સારવાર અને રોગ નિયંત્રણ માટેના રાજ્ય સરકારના રક્ષણાત્મક ઉપાયોમાં રાજ્યના સહકારી દૂધ ઉત્પાદન સંઘો, ડેરીઓના ચેરમેનઓ અધ્યક્ષઓનું યોગદાન મળી રહે તે હેતુસર એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રના ગુજરાતના અગ્રણીઓને અનુરોધ કર્યો કે તેમના સંઘો અને ડેરીઓ સભાસદ પશુપાલકો સહિત તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ગામોના પશુધનને આ લમ્પી સ્કીન ડિસીઝથી રક્ષણ આપવા માટેની વેક્સિન, રસીકરણની કામગીરીમાં રાજ્ય સરકારને સક્રિય સહયોગ આપીને આ રોગને વ્યાપક રસીકરણથી તંદુરસ્ત પશુઓમાં ફેલાતો ત્વરાએ અટકાવી શકે તેમ છે.
  ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું કે, રાજ્યના પશુપાલન વિભાગે આ રોગચાળા સામે તંદુરસ્ત પશુઓને રક્ષણ આપવા વિનામૂલ્યે રસીકરણ મિશન મોડમાં ઉપાડયું છે.
અત્યાર સુધીમાં રાજ્યના અસરગ્રસ્ત ૧પ જિલ્લાઓના ૧રરર ગામોમાં લમ્પી સ્કીન ડિસીઝ અસરગ્રસ્ત ૪૩ હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે. એટલું જ નહિ, નિરોગી પશુધનમાં રોગચાળો ફેલાય નહિ તે માટે ૩ લાખ ૩૦ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવેલું છે.
રાજ્યમાં જે ૧૫ જિલ્લાઓના પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝનો રોગચાળો જોવા મળેલો છે તે અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકી સુરત સિવાયના અન્ય ૧૪ જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે.  
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ તેમના વિસ્તારના પશુધનમાં રોગ ન ફેલાય તે માટે વિનામૂલ્યે પશુ રસીકરણ માટે પશુપાલકોમાં પ્રચાર-પ્રસારના કાર્યક્રમો, જાહેરાતો વગેરેથી મોટા પ્રમાણના પશુપાલકોને જાગૃત કરે તે આવશ્યક છે.
મુખ્યમંત્રીશ્રીએ આ  અગ્રણીઓને વધુ વિગતો આપતા એમ પણ જણાવ્યું કે રાજ્યના પશુધનમાં આ રોગચાળો ફેલાતો અટકાવવા ઇતરડી, બગાઇ, માખી, ચાંચડ, મચ્છર જેવા રોગના વાહકોનું નિયંત્રણ તેમજ પશુઓના સંપર્કમાં આવનાર વાહનોની સફાઇ અને ડિસઇન્ફેકશન તથા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરવામાં આવી છે  
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઇ માલમ તેમજ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સંલગ્ન ડેરીઓ, બનાસ ડેરી, અમૂલ ડેરી, સાબર ડેરી, સૂમૂલ ડેરી તથા અસરગ્રસ્ત જિલ્લાના દૂધ સહકારી સંઘોના અધ્યક્ષઓ જોડાયા હતા
રાજ્ય સરકારે લમ્પી સ્કીન ડિસીઝના નિયંત્રણ અને રોગચાળો પ્રસરતો અટકાવવાના જે સમયસરના પગલાં લીધા છે તેના પરિણામે રોગચાળાની તીવ્રતા અને વ્યાપ અટકાવી શકાયા છે તે અંગે આ સૌ સહકારી દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષો-ચેરમેનો એ રાજ્ય સરકારની સતર્કતાની પ્રસંશા કરી હતી. તેમણે સૌએ લમ્પી સ્કીન ડિસીઝ નિયંત્રણ માટે રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આ તકે આપી હતી
મુખ્ય સચિવ પંકજ કુમાર, કૃષિ સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિતના વરિષ્ઠ સચિવો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

(8:19 pm IST)