Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રાજયમાં સીઝનનો ૭૦ ટકા વરસાદઃ સૌરાષ્‍ટ્રમાં ૬૧% પાણી પડી ગયું

કચ્‍છમાં સૌથી વધુ ૧૧૩% વરસ્‍યોઃ રાજયના ૩૩ ડેમો છલકાઇ ગયા જયારે ૫૦ ડેમોમાં ૨૫%થી ઓછું પાણી છે : ઓગષ્‍ટમાં મેઘરાજનો નવો રાઉન્‍ડ?

રાજકોટઃ રાજયમાં જુલાઇ મહિનામાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયા બાદ હવે આગામી બે ત્રણ દિવસ વરસાદ ખમૈયા કરશે તેમ હવામાન ખાતું જણાવે છે. ઓગષ્‍ટમાં ચોમાસાનો નવો રાઉન્‍ડ આવશે.
ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ પડયા બાદ હવે વિરામ લીધો છે. આગામી ત્રણેક દિવસ છુટો છવાયો હળવો અને મધ્‍યમ વરસાદ પડી શકે છે તેમ હવામાન ખાતું જણાવે છે. આગામી ૨૪ કલાકમાં એકાદ સ્‍થળે ભારે વરસાદ વરસી શકે છે.
ગયા વર્ષે જુલાઇના અંત સુધીમાં રાજયમાં સરેરાશ ૧૧ ઇંચ વરસાદ વરસ્‍યો હતો, જે આ વર્ષની સિઝનમાં ૨૭ જુલાઇ સુધીમાં ૨૩ ઇંચ પડી ગયો છે. રાજયના ડેમોમાં ૬૨% પાણીનો જથ્‍થો ભરાયેલો છે.
રાજયના ચાર ઝોનમાં વરસાદની સ્‍થિતિ જોઇએ તો કચ્‍છમાં ૨૧ ઇંચ સાથે મોસમનો કુલ ૧૧૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૫ ઇંચ સાથે ૫૫.૧૭ ટકા, જયારે મધ્‍ય ગુજરાતમાં ૧૯ ઇંચ સાથે સીઝનનો કુલ ૬૦ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૭ ઇંચ સાથે ૬૧%  જયારે દક્ષિૅણ ગુજરાતમાં ૪૭ ઇંચ સાથે ૮૧.૯૨% વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં સમગ્ર દ્રષ્‍ટિએ જોઇએ તો સીઝનનો ૬૯.૨૨ ટકા વરસાદ વરસી ગયો છે. ઉલ્‍લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્‍ય ગુજરાતમાં ઓછો વરસાદ પડયો છે.રાજયના ૩૫ ડેમોમાં ૧૦૦ ટકાથી વધુ પાણી ભરાઇ ગયું છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ૩૩ ડેમોમાં ૫૦%થી ૭૦% જેટલું પાણી ભરાયું છે. તો ૪૧ ડેમોમાં ૨૫% થી ૫૦% પાણી ભરાયુેં છે અને ૫૬ ડેમોમાં ૨૫%થી ઓછો પાણી સંગ્રહ થયો છે.

 

(3:18 pm IST)