Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સર્વિસ ટેકસ વિભાગના આંધળુકિયાઃ હજારો કરદાતાઓને નોટીસ ફટકારી

સર્વિસ ટેકસ લાગુ જ નથી પડતો તેમને નાણાં ભરવા ફરમાન

વડોદરા,તા.૨૮ : સર્વિસ ટેકસ ભરવાનો નથી તેવા કરદાતાઓને પણ આડેધડ નોટિસ ફટકારવામાં આવતા વિવાદ ઊભો થયો છે. તેમાં પણ પાંચ વર્ષ પૂરા થતા હોય તેવા કરદાતાઓને નોટિસ આપવાની છેલ્લી તારીખ હોવાના લીધે હજ્જારો કરદાતાઓને સર્વિસ ટેકસ વિભાગે નોટિસ ફટકારી છે. સર્વિસ ટેકસનંુ એસેસમેન્ટ કરવા માટે પાંચ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેના કારણે વર્ષ ૨૦૧૬-૧૭ આકારણી વર્ષ માટેની કામગીરી વર્ષ ૨૦૨૦-૨૧માં પૂરી કરી દેવાની હોય છે. જેથી સોમવારના રોજ અનેક કરદાતાઓને બીજા કવાર્ટરની નોટિસ મોકલી આપવામાં આવી છે.

જોકે તેમાં કરદાતા સર્વિસ ટેકસના દાયરામાં આવે છે કે નહીં તેની પણ પૂરતી ચકાસણી કર્યા વિના કોઇ પણ કરદાતા બાકી નહીં રહી જાય તે પ્રમાણે નોટિસ આપવામાં આવી છે. જેથી સર્વિસ ટેકસ વિભાગની સામી દિવાળીએ આવી કામગીરી કરવામાં આવતા વેપારીઓની હૈયાહોળી શરૂ થઇ છે.

જોકે, આ નોટિસ આપતી વખતે સર્વિસ ટેકસના અધિકારીઓએ એ જોવાની પણ દરકાર લીધી નથી કે કરદાતા દ્વારા કરવામાં આવતી કામગીરી સર્વિસ ટેકસના દાયરામાં આવે છે કે નહીં, પરંતુ એસેસમેન્ટ માટેનંુ વર્ષ પૂરું થાય તે પહેલા જ કામગીરી કરવાની હોવાથી અધિકારીઓએ પણ જોવાની તસ્દી લીધા વિના પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે આ કાર્યવાહી કરી છે.

જેથી આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શકયતા નકારી શકાય તેમ નથી.

(10:19 am IST)