Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

રાજયમાં ખુલશે અંગ્રેજી મીડિયમની ૧૦૦ નવી સરકારી સ્કૂલો

કોરોના કાળમાં અસંખ્ય વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલમાં આવ્યા છે : રાજયની સરકારી સ્કૂલોમાંથી ૯૮ ટકા સ્કૂલો ગુજરાતી મીડિયમની છે

અમદાવાદ, તા.૨૮: છેલ્લા થોડા મહિનાઓમાં રાજયના વિવિધ જિલ્લાઓમાંથી અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ ૧૦૦ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું લક્ષ્ય સેવી રહી છે, તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

કદાચ પહેલીવાર એવું બનશે જયારે સરકાર સંચાલિત સ્કૂલો અંગેનો લોકોનો અભિગમ બદલવા માટે મોટું કદમ ઉઠાવશે. રાજયમાં ૩૩,૦૦૦ સ્કૂલો સરકાર સંચાલિત છે અને તેમાંથી ૯૮ ટકા શાળાઓ ગુજરાતી મીડિયમની છે. શહેરોમાં ઘણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો કોર્પોરેશન સંચાલિત છે. રાજયની ૧૦૬ સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાઓ ૫૬ સ્કૂલો ચલાવે છે.

સૂત્રોનું માનીએ તો, સરકાર નવી સ્કૂલો જિલ્લા અને તાલુકા સ્તરે હાલ જે સાધન-સંપત્તિ છે તેનો ઉપયોગ કરીને જ શરૂ કરશે. સાથે જ નવા શિક્ષકોની ભરતી પણ કોન્ટ્રાકટના આધારે કરશે.

અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવાની સૌથી વધુ માગ અરવલ્લી જિલ્લામાંથી થઈ છે. અહીં ૧૨ સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. ત્યારબાદ મહેસાણામાં સાત સ્કૂલોનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજી માધ્યમની ૬ સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ છે. અમદાવાદ અને સુરતમાંથી ત્રણ-ત્રણ સ્કૂલોનો પ્રસ્તાવ આવ્યો છે.

અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો પૈકીનું એક છે કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં અભ્યાસ કરતાં ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે. આમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પહેલા અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા અને હવે તેમને ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સફર થવું પડ્યું છે કારણકે રાજયમાં સરકાર સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે. જોકે, આ કોન્ટ્રાકટ બેઝ પર શિક્ષકોને રાખવાનો નિર્ણય આગળ વધવામાં આડખીલી રૂપ બની શકે છે, તેમ એક શિક્ષણવિદે જણાવ્યું, મહામારીના સમયગાળામાં ખાનગી સ્કૂલોમાંથી નામ કઢાવી લેનારા અસંખ્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તેવું લક્ષ્ય હોવાનું અગાઉ સરકાર જણાવી ચૂકી છે. ૨૧ સપ્ટેમ્બરના પરિપત્રમાં રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાંથી ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરશે. સરકાર સંચાલિત અન્ય સ્કૂલોની જેમ આ સ્કૂલોમાં પણ શિક્ષણ વિના મૂલ્યે આપવામાં આવશે.

માર્ચ ૨૦૨૦માં ગુજરાતમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી આશરે ૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી દીધી છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ૨.૮૨ લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી છે. કોરોના મહામારી દરમિયાન શહેરો અને ગ્રામ્ય જિલ્લાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક ઘરના મોભીના મોત થયા છે અને ઘણાંની નોકરી છૂટી ગઈ છે, જેના લીધે આર્થિક તંગી થઈ છે. પરિણામે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છોડીને વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી છે. આવા સમયમાં દ્યણાં વાલીઓને ખાનગી સ્કૂલોની સરેરાશ વાર્ષિક ૧૫,૦૦૦ થી ૩૦,૦૦૦ રૂપિયાની ફી ચૂકવવામાં પણ મુશ્કેલી થઈ હતી.

(10:39 am IST)