Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની કુલ ૨૯.૮૦ કરોડની યોજનાઓ મંજુર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ચોટીલા – દ્વારકા – માંડવી (કચ્છ) – શિહોર અને ગારીયાધાર નગરપાલિકાઓને પાણી વિતરણવ્યવસ્થા,હયાત નેટવર્કમાં સુધારા, ભૂગર્ભ સમ્પ-ઉંચી ટાંકી, નળ કનેક્શન અને પમ્પીંગ મશીનરી સહિતના વિવિધ કામો માટે રકમ ફાળવાઈ : ૧ વર્ષમાં કામો પૂર્ણ કરવાના રહેશે

રાજકોટ તા.૨૮ : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો, ગામો અને શહેરોમાં નાગરિકોને પીવાનું શુધ્ધ અને પુરતું પાણી મળી રહે તેવા આયોજન સાથે પાંચ નગરપાલિકાઓમાં રૂપિયા ૨૯.૮૦ કરોડના પાણી પુરવઠાના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપી છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત આ કામો મંજુર કરવામાં આવ્યા છે. તેમાં ચોટીલા નગરપાલિકામાં ૪.૪૭ કરોડ, દ્વારકામાં ૬.૯૪ કરોડ, કચ્છના માંડવીમાં ૩.૭૪ કરોડ તેમજ ભાવનગરના શિહોરમાં ૫.૯૧ કરોડ અને ગારીયાધારમાં ૮.૭૩ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામો હાથ ધરાશે.

 

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નગરોમાં પાણી પુરવઠાના કામો માટે મંજુરી આપી છે. તેમાં રાઈઝીંગ મેઈન, વિતરણ વ્યવસ્થા, પમ્પીંગ મશીનરી, ઉંચી ટાંકી, નળ કનેક્શન તેમજ સમ્પ, ફિલ્ટર પ્લાન્ટ અને છેવાડાના વિસ્તાર સુધી પૂરતા પ્રેશર થી નિયમિત પાણી આપવાના તેમજ ગ્રેવીટી વિતરણ વ્યવસ્થા અને હયાત નેટવર્કમાં સુધારા જેવા વિવિધ કામોનો સમાવેશ થાય છે.

 

મુખ્યમંત્રીશ્રીએ એવું પણ સૂચવ્યું છે કે જે યોજનાઓને તેમણે સૈધ્ધાંતિક મંજુરી આપી છે તેની તાંત્રિક, વહીવટી મંજુરી પ્રકીયાઓ ઝડપથી પૂર્ણ કરી આ યોજનાઓના કામો ૧ વર્ષમાં પૂરા કરી દેવાનો રહેશે.

 

(6:33 pm IST)