Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કોરોનાની રસી કેમ આપવી ? ગાંધીનગર, રાજકોટમાં ૪૭૫ કર્મચારીઓને તાલીમ

આરોગ્ય તંત્ર રેડી ફોર ટ્રાયલ રન : ૨૫ સ્થળો નક્કી કરાયા

અમદાવાદ તા. ૨૮ : કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા ગુજરાતના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ૪૭૫ જેટલા હેલ્થ વર્કર્સને વેકિસનેશન પહેલા વેકિસનેશન અંગે માહિતગાર કરવા ટ્રાયલ રનનો પ્રારંભ થઇ રહ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ૧૦ અને રાજકોટ જિલ્લામાં ૯ વિવિધ નક્કી કરાયેલ જગ્યાએ આ ટ્રાયલ રન થનાર છે જયાં દરેક સ્થળે ૨૫ હેલ્થ વર્કર્સ કે જેઓને કોરોના રસી અપાવાની છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વેકિસનેશન અંગે માર્ગદર્શન અપાશે. જેમાં કોરોના વેકિસનેશન કેવી રીતે થશે, રસીનું સ્ટોરેજ પ્રોટોકોલ મુજબ સ્ટોરેજ ફેસિલિટી સેન્ટર ખાતે કઈ રીતે કરવું, વેકિસનેશન માટે લોકોને કઈ રીતે લાવવા લઈ જવા વગેરે બાબતોનું ટ્રાયલ રન માં માર્ગદર્શન અપાશે. રાજયમાં વેકિસનેશન માટે ડેટા કલેકશનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે.

જેમાં ૫૦થી વધુ વયના ૧ લાખ અને ૫૦થી ઓછી ઉંમરના પણ અન્ય મોટી બિમારીઓ ધરાવતા ૨.૬૧ લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે જેઓને પ્રથમ કોરોના રસી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.

(12:49 pm IST)