Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

વલસાડ પંથકમાં કોરોનાએ માથું ઉચક્યું : નવા 13 કેસ નોંધાયા : ધારાસભ્ય ભરત પટેલ બાદ તેમના પત્ની પણ કોરોના પોઝીટિવ

ગત રવિવારે પારનેરા પારડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો:. જિલ્લામાં 13 કેસ નોંધાતા તંત્ર દોડતું

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધવા માંડ્યા છે અને ગતરોજ ધારાસભ્ય ભરતભાઈ પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે તેમના ધર્મપત્ની ભાવનાબેનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે

 . અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનાબેન પટેલે ભરતભાઈની સાથે ગત રવિવારે પારનેરા પારડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. ત્યારબાદ આજે કોરોના સંક્રમિત જાહેર થયા છે જેઓ એ તેઓના સંપર્ક માં આવેલાઓને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે
વલસાડ જિલ્લામાં 13 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી આવતા લોકો પર નિયંત્રણ રહે તે માટે વલસાડ જિલ્લા બોર્ડર પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે.

 જિલ્લામાં પ્રવેશતા લોકોને અટકાવવા અને જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ વહીવટી તંત્ર માટે પડકાર રૂપ બની ગયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જિલ્લાના વિવિધ સ્થળોએ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ પણ વધારવામાં આવી રહ્યું છે.
આજે નોંધાયેલા કેસ માં વલસાડ તાલુકા માં 9 કેસ નોંધાયા છે જેમાં 4 પુરુસ અને 5 મહિલાઓ નો સમાવેશ થાય છે જ્યારે પારડી તાલુકા માં 1 પુરુસ, તેમજ વાપી તાલુકા માં 3 કેસ પૈકી 2 પુરુષ અને 1 મહિલા મળી કુલ 13 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
વલસાડ માં નોંધાયેલા કોરોના પોઝીટિવ કેસો માં ખાસ કરીને ગડાવડા ,નનકવાડા, અબ્રામા ,ડુંગરી, કોસંબા,રામજી ટેકરા, દમણી ઝાંપા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ તેમજ વાપી ના ચલા અને નામધા માં કેસ સામે આવ્યા છે.

(9:48 pm IST)