Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

જલ જીવન મિશન અન્વયે દેશના સાત રાજયોમાં એકમાત્ર ગુજરાતને ફાળે 100 કરોડ રૂપિયા આવ્યા

ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 11.15 લાખ ઘરોને નળ જોડાણના લક્ષ્યાંક સામે 11.50 લાખ ઘરોને નળ જોડાણ અપાયા

ગાંધીનગર: જલ જીવન મિશન અન્વયે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને 1000 કરોડની ગ્રાન્ટ આ વર્ષે મળી હતી. ત્યાં વળી આજે દેશના સાત રાજયોએ ઉત્કુષ્ટ કામગીરી બદલ વિશેષ પ્રોત્સાહન રૂપે વધુ 100 કરોડ રૂપિયા ગુજરાતના ફાળે આવ્યા છે. આમ તો કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયે દેશના સાત રાજયોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશેષ અનુદાન તરીકે 465 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. તેમાં એક માત્ર ગુજરાતના ફાળે 100 કરોડ રૂપિયા આવ્યા છે. આ સાત રાજયોમાં ગુજરાતનું સ્થાન અગ્રીમ રહ્યું છે.

 કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે નવી દિલ્હીમાં દેશના જે અન્ય રાજ્યોને આ વિશેષ પ્રોત્સાહક અનુદાન આપવામાં આવ્યું છે. તેમાં ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર આ વિશેષ પ્રોત્સાહક અનુદાન જે તે રાજ્યોને ઝડપી કાર્ય પદ્ધતિ, નાણાંકીય આયોજન અને ફંડના અસરકારક ઉપયોગ તેમજ પાઇપ લાઇન નેટવર્કની કાર્યક્ષમતાના માપદંડોને આધારે આપે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગે ગુજરાતના દરેક ઘરને 2022 સુધીમાં નલ સે જલ હેઠળ આવરી લેવાની કામગીરી મિશન મોડમાં ઉપાડીને આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં કોઈને ફ્લોરાઇડ યુક્ત કે ક્ષાર વાળુ પાણી પીવાને કારણે હાથીપગો કે હાડકાના રોગોના થાય, દાંત પીળા ના પડી જાય તેમજ ગ્રામીણ બહેનોને માથે બેડા લઇ દૂર સુધી પાણી ભરવા જવું ના પડે તેવી પ્રતિબદ્ધતાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હર ઘર જલ પર ફોકસ કરીને સમગ્ર રાજ્યમાં 2022 સુધીમાં 100 ટકા નલ સે જલનો લક્ષ્યાંક રાખ્યો છે.

કોરોના કાળમાં લોકડાઉન અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે પાણી પુરવઠા વિભાગે વર્ષ 2022 સુધીમાં સો ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણોના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરી છે. જેના કારણે ગુજરાતના કુલ 92.92 લાખ ગ્રામીણ ઘરોમાંથી 77.10 લાખ ઘરોને નળ જોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકીના 15.82 લાખ ઘરોમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન પહોંચાડવામાં આવશે. આ 15.82 લાખ ઘરોમાંથી 3.95 લાખ ઘર માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 5.97 લાખ ઘરો માટે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે રાજ્યના તમામ ઘરોમાં ગુણવત્તાયુક્ત 100 લિટર પર કેપિટા પર ડે પાણી પહોંચે તે માટે નીતિઓ ઘડી છે. રાજ્ય સરકારે FHTC માટે બાકી રહેતા વિસ્તારો માટે વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા વિભાગ થકી કુલ રૂ. 13 હજાર કરોડના વિકાસ કાર્યો હાથ ધર્યા છે. નર્મદા, કેનાલ, મહી, તાપી, મધુબન અને ધરોઇને સાંકળી વોટર ગ્રીડની મદદથી દરેક તાલુકા માટે સોર્સ અવેલેબિલીટી પણ સુનિશ્ચિત કરી છે.

પ્રધાન મંત્રી  મોદીએ 15 મી ઓગસ્ટ, 2019 ના રોજ જલ જીવન મિશનની ઘોષણા કરી હતી. વડાપ્રધાનએ સમગ્ર દેશને પાણીજન્ય રોગોથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ યોજના હેઠળ ઘરે ઘરે નળથી પાણી પહોંચે તેવો લક્ષ્યાંક આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ લક્ષ્ય વર્ષ 2022માં જ પૂરું કરવાની પ્રતિબધ્ધતા સાથે સમગ્ર પાણી પુરવઠા તંત્રને પ્રેરિત કરતા ગુજરાતે આ અગ્રેસરતા પુરવાર કરી છે.

રાજ્યના પાણી પુરવઠા વિભાગે આ લક્ષ્ય પૂર્તિ માટે અસરકારક આયોજન કરીને કામગીરી વેગવંતી બનાવી છે. ગુજરાતે આ વર્ષે 25 માર્ચ સુધીમાં 11.15 લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન(FHTC)ના લક્ષ્યાંક સામે 11.50 લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (નળ જોડાણ) પૂરા કર્યા છે. એટલું જ નહિ રાજ્યના પાંચ જિલ્લા મહેસાણા, પોરબંદર, બોટાદ આણંદ અને ગાંધીનગર સો ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ(FHTC) ધરાવતા જિલ્લા બન્યા છે.

(10:42 pm IST)