Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કાર્બાઇડથી ફળો પકવવાનો મામલો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પણ ચગ્યો

ત્રણ વર્ષમાં કાર્બાઇડથી ફળ પકવતાં 125 વેપારીઓને ઝડપી લઇને 374 કાર્બાઇડની પડીકી કબ્જે કરી

ગાંધીનગર : રાજ્યમાં કાર્બાઇડની પડીકીથી ફળો પકવવાનો ધીકતો ધંધો ચાલુ છે અને પ્રજાની જીંદગી સાથે ખુલ્લેઆંમ ચેડાં થઇ રહ્યાં છે. આ મુદ્દો આ વખતે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પણ ચગ્યો છે. જેમાં સરકારે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કરેલી કાર્યવાહી જણાવી છે.

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે રાજયમાં જિલ્લાવાર છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડથી ગેરકાયદેસર ફળો પકડવતાં કેટલાં વેપારીઓ પકડયા તથા તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી તેવો પ્રશ્ન કર્યો હતો. આ પ્રસ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી ( આરોગ્ય )એ જવાબ આપ્યો છે કે, ત્રણ વર્ષમાં કુલ 125 વેપારીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં 2017-18માં 16, 2018-19માં 106 તથા 2019-20માં માત્ર 3 વેપારીને પકડવામાં આવ્યા હતા. આ વેપારીઓ પાસેથી 374 કાર્બાઇડ પડીકીઓ તથા 27 કીલો 790 ગ્રામ કાર્બાઇડનો જથ્થો મળી આવ્યો હતો. આ વેપારીઓ પાસેથી 52,500નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.

2017-18માં પકડાયેલા 16 વેપારીઓ પાસેથી 163 કાર્બાઇડ પડીકી તથા એક કિલો કાર્બાઇડનો જથ્થો પકડાયો હતો. જયારે 2018-19માં 106 વેપારીઓ પાસેથી પૈકી 185 કાર્બાઇડ પડીકીઓ તથા 26 કીલો 290 ગ્રામ કાર્બાઇડ તથા 52,500 વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. જયારે 2019-20માં 3 વેપારીઓ પાસેથી 26 કાર્બાઇડ પડીકીઓ તથા 500 ગ્રામ કાર્બાઇડનો જથ્થો મોકલ્યો હતો. આ વેપારીઓ પાસેથી ત્રણ વર્ષમા 6328 કિલોગ્રામ ફળોનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 2016-17માં 2552 કીલોગ્રામ ફળો તથા 2018-19માં 2696 કિલોગ્રામ તથા 2019-20માં 1080 કિલોગ્રામ ફળોનો નાશ કરવામાં આવ્યો હતો.

 વધુમાં જણાવાયું છે કે, ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા તા. 23-8-2016ના જાહેરનામાથી ઇથીલીન ગેસ દ્વારા કૃત્રિમ રીતે ફળો પકવવા માટે માન્યતા આપવામાં આવેલી છે તેમ જ કેલ્શિયમ કાર્બાઇડથી ફળો પકવતા દૂષણને ડામવા માટે ઓથોરીટી દ્વારા તા.16-8-2018ના ઓર્ડરથી ઇથેફોન પાવટર સચેટમાં પેક કરી ફળો પકવવા માટે પણ મંજુરી આપવામાં આવી છે. આ બાબતે ખોરાક અને આષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજયમાં કૃત્રિમ રીતે ફળો પકવતા વેપારીઓને ઇથીલીન ગેસ- ઇથીફોન સચોટનો જ ઉપયોગ કરવા જરૂરી માર્ગદર્શિકા/ સૂચનાઓ આપવામાં આવે છે

(10:26 am IST)