Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

રાજપીપળા શહેરમાં કોરોના ના વધતા કેસ બાદ ટાઉન પોલીસની લાલ આંખ: માસ્ક બાબતે 3 દિવસમાં 1.19 લાખનો દંડ ફટકાર્યો

તા.25 માર્ચથી 27 માર્ચ સુધીના ત્રણ દિવસમાં માસ્ક વગરના કુલ-૧૧૯ લોકો પાસે થી ૧,૧૯,૦૦૦ રૂપિયા નો દંડ વસુલ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા દિવસથી કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે જેના કારણે નર્મદા પોલીસ સહિત વહીવટી તંત્ર કોવિડ-19 ના જાહેરનામા નું કડક પાલન કરાવવા કામે લાગ્યું છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી રાજપીપળા પોલીસ પણ શહેરમાં ફરી માસ્ક બાબતે કડક કાર્યવાહી કરી રહી હોય જેમાં નિયમ મુજબ માસ્ક ન પહેરનાર વ્યક્તિને એક હજાર રૂપિયા દંડ ની જોગવાઈ હોય રાજપીપળા પોલીસે ત્રણ દિવસ માં કુલ એક લાખ ઓગણીસ હજાર રૂપિયા દંડ પેટે વસુલ કર્યા છે.
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ તા.25 માર્ચે રાજપીપળા પોલીસે કુલ-૫૮ લોકોને ઝડપી 58,000 રુપિયા દંડ પેટે વસુલ કર્યા છે જ્યારે 26 માર્ચે કુલ-૩૮ લોકો પાસે 38,000  અને 27 માર્ચે કુલ-23 લોકોને માસ્ક વિના ઝડપી રૂપિયા 23000/- નો મળી ત્રણ દિવસમાં કુલ-૧૧૯ લોકો પાસે થી ૧,૧૯,૦૦૦  રૂપિયા નો દંડ વસુલ કર્યો હતો.

(10:19 pm IST)