Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

સુરતમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 775 કોરોના કેસ

સુરત: શહેરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક અઠવાડિયાની અંદર સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 775 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

શહેરમાં પ્રતિદિન 600થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. સાથે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયા પૂર્વે શહેરની 34 કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં 10 ટકા કોરોનાના બેડ ફૂલ હતા. આજે આવી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફૂલ થઈ ગયા છે. આગામી સમયમાં પણ આજ હાલત રહેશે, તો સ્થિતિ વધારે ભયંકર થઈ શકે છે.

હવે શહેરની રાજનીતિમાં પણ કોરોના પહોંચી ગયો છે. શનિવારે મેયર હેમાલી બોઘાવાલાના કોરોના સંક્રમિત થયા બાદ અન્ય નગર સેવકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની વાત સામે આવી છે. મેયરની સાથે ભાજપના 4 કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થયા છે. રવિવારે ભાજપના 3 અને આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

કોરોનાની ચિંતા કર્યા વિના મેયર હેમાલીબેન શનિવારે ભાજપ કાર્યાલયમાં આયોજિત બજેટની બોર્ડની મિટિંગમાં પહોંચ્યા હતા. જેમાં ભાજપમાં મોટાભાગના નગર સેવકો અને હોદ્દેદારો હાજર હતા. હાલ મેયરના સંપર્કમાં આવનારા તમામ કોર્પોરેટરોને કોરોના ટેસ્ટ કરાવવા અને ક્વોન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં નવા કેસની સરખામણીમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. 8 દિવસમાં 5000 જેટલા કેસ વધી ગયા છે. છેલ્લા 19 દિવસમાં એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો છે. 9 માર્ચે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 780 એક્ટિવ કેસ હતા. જે હવે વધીને 3774 પર પહોંચી ગયા છે.

સુરત જિલ્લામાં પ્રતિદિન 25 હજાર ટેસ્ટમાં 3 ટકા કેસ પોઝિટિવ આવી રહ્યાં છે. શહેર અને ગ્રામીણમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ એટલે કે દર બે મિનિટમાં એક કેસ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 63,130 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 1165 સુરતીઓને ભરખી ચૂક્યો છે.

રવિવારે 586 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. સાથે અત્યાર સુધીમાં 58,191 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે હાલ 3774 એક્ટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી 765 દર્દીઓ હોસ્પિટલમાં અને અન્ય હોમ આઈસોલેશનમાં છે.

(11:48 am IST)