Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખને પારઃ સૌથી વધુ દર્દીઓ સુરત જિલ્લામાં નોંધાયા

ગાંધીનગર: કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં સંક્રમિતોનો કુલ આંકડો 3 લાખને પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે જીવલેણ વાઈરસના કારણે 4492 લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રવિવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન નવા 2270 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધુ દર્દીઓ સુરત જિલ્લામાં નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 8 લોકોને કોરોના ભરખી ચૂક્યો છે. અગાઉ શનિવારે રાજ્યમાં 2276 કેસ સામે આવ્યા હતા.

ગુજરાતમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં 611 અને ગ્રામ્ય વિસ્તારમાં 164 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 615 દર્દીઓ નોંધાયા છે, જેમાં શહેરના 607 કેસ છે. સિવાય વડોદરા જિલ્લામાં 232, રાજકોટમાં 197 નવા કેસ સામે આવ્યા છે.

રવિવારે નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,00,866 પર પહોંચી ચૂકી છે. રવિવારે વધુ 8 લોકોના મરણ નોંધાય છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 3 લોકો મોતને ભેટ્યા છે. સિવાય અમદાવાદ અને રાજકોટમાં 2-2 અને વડોદરા જિલ્લામાં 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 11,528 પર પહોંચી ચૂકી છે. જેમાંથી 152ની હાલત ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની હાલત સ્થિર જણાવાઈ છે.

જો કે રાહતની વાત છે કે, રાજ્યમાં રવિવારે 1605 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 2,84,846 પર પહોંચી ચૂકી છે. હાલ રાજ્યમાં રિકવરી રેટ 94.68 ટકા થઈ ગયો છે.

એક દિવસમાં 1,36,737 લોકોને કોરોના વિરોધી રસી Gujarat Corona Update
રાજ્યમાં રવિવારે એક દિવસમાં 1,36,737 લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે. સાથે રાજ્યમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 4,56,141 પર પહોંચી ચૂકી છે. જ્યારે 6,29,222 લોકો વૅક્સિનનો બીજો ડૉઝ લઈ ચૂક્યા છે. સાથે રાજ્યમાં 51.95 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે.

અમદાવાદ શહેરમાં રવિવારે સૌથી વધુ 15,446 લોકોએ કોરોનાની વૅક્સિન લીધી છે. જ્યારે સુરત શહેરમાં કોરોના વિરોધી રસી લેનારા લોકોની સંખ્યા 11,316 રહી છે.

(11:48 am IST)