Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કોરોના વાઇરસે સ્વરૂપ બદલ્યાની આશંકાઃ રવિવારે એક દિવસમાં સૌથી વધુ રર૭૦ નવા કેસ

કોરોના વાઇરસના બદલતા સ્વરૂપને ધ્યાને લઇને સેમ્પલ પુના લેબમાં મોકલ્યા

ગાંધીનગર : કોરોના વાઇરસે સ્વરૂપ બદલ્યાની આશંકા સેવાય રહી છે ગઇકાલે રવિવારે એક દિવસમાં સૌથી વધુ રર૭૦ નવા કેસ ગુજરાતમાં આવ્યા હતાં.

ગુજરાતમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે રવિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 2,270 નવા કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે તબીબોએ પણ કોરોના વાઈરસે પોતાનું સ્વરૂપ બદલ્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

તબીબોએ આશંકા વ્યક્ત કરી છે કે, કોરોના વાઈરસના બદલાયેલા સ્વરૂપના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે રોજેરોજ સંક્રમિતોની સંખ્યામાં પણ સતત વધાર થઈ રહ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના વાઈરસના સેમ્પલ પૂના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.

તબીબોના મતે, પહેલા જ્યાં પરિવારના 4-5 લોકોમાંથી એક વ્યક્તિ સંક્રમિત થઈ રહ્યો હતો, પરંતુ હવે વાઈરસના નવા સ્વરૂપના કારણે પરિવારના તમામ સભ્યો સંક્રમિત થવાની આશંકા સેવાઈ રહી છે. આથી માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

જણાવી દઈએ કે, રવિવારે રાજ્યના સુરત જિલ્લામાં સૌથી વધુ 775 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં શહેર વિસ્તારમાં 611 અને ગ્રામ્ય વિસ્તારમાં 164 કેસ સામે આવ્યા હતા. જે બાદ બીજા ક્રમે અમદાવાદ જિલ્લામાં 615 દર્દીઓ નોંધાયા છે, જેમાં શહેરના 607 કેસ છે.

રવિવારે નવા નોંધાયેલા કેસ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 3 લાખને પાર પહોંચી ચૂક્યો છે. હાલ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 11,528 છે. જેમાંથી 152ની હાલત ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની હાલત સ્થિર જણાવાઈ છે.

(6:14 pm IST)