Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

સુરતવાસીઓને મોદી સરકારની વધુ એક ભેટ: હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ શરૂ કરાશે : 31 માર્ચે કેન્દ્રીય મંત્રી માંડવીયા ઇ- લોકાર્પણ કરશે

દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે: 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન

સુરત : સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ક્રુઝ શરૂ કરવામાં આવ્યા બાદ મોદી સરકારે સુરતવાસીઓને વધુ એક ભેટ આપી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ શરૂ થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે 'ક્રુઝ' સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

  આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે.

300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.

ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે 'હજીરા-ધોધા' રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત થવાની છે.

(10:16 pm IST)