Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કરણી સેનાએ રીવાબાના નિવેદનને વખોડ્યું : કહ્યું --સસ્તી લોકપ્રિયતા મેળવવા બોલ્યા, સમાજમાં ખોટી અસર પડશે.

સોનાસિંહ રાજપૂતે કહ્યું હતું કે મહિલાઓ આજે આઈએએસ, આઇપીએસ, નેતા બની રહી છે તે સાબિતી આપે છે બધા સમાન છે

અમદાવાદ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. જેને લઇને હવે વિવાદ શરૂ થયો છે.

કરણી સેનાના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે રિવાબા જાડેજા સસ્તી લોકપ્રિયતા મેળવવા નિવેદન કર્યું છે.રિવાબા જાડેજાના નિવેદનથી સમાજમાં ખોટી અસર પડશે.

રિવાબા જાડેજા અમારી વર્ષો જૂની કરણી સેના સાથે જોડાયેલા નથી, તેઓ રિવાબા જાડેજા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા છે. કરણી સેના દ્વારા રિવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. સમાજમાં મહિલા પુરૂષ સમાન જ છે. સોનાસિંહ રાજપૂતે  કહ્યું હતું કે મહિલાઓ આજે આઈએએસ, આઇપીએસ, નેતા બની રહી છે તે સાબિતી આપે છે બધા સમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે વાયરલ થયેલા વિડીયોમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાએ કહ્યું હતું કે દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.

હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. રિવાબા જાડેજા રાજપૂત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ પણ છે

(10:59 pm IST)