Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં રંગોત્સવ પર્વની ઉજવણી

૧૧૧ કિલોથી વધારે ખજૂર, ધાણી, દ્રાક્ષ અને ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

૨૦૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ?  શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્‌ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્‌ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રંથોમાં ઠેર ઠેર શ્રી સ્વામિનારાયણ ભગવાનના રંગોત્સવોનું અદ્‌ભુત દર્શન માણવાં મળે છે.

આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ  સ્વામિનારાયણ ભગવાને ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશીય પરંપરાના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની નિશ્રામાં તા. ૨૮ માર્ચ ને રવિવારના રોજ સવારે ૯:૪૫ થી ૧૦-૪૫ વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ઉપર  આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે ગુલાલ તથા રંગથી અભિષેક કર્યો હતો અને ત્યારબાદ  તે પ્રસાદીભૂત ગુલાલનો છંટકાવ સંતો  ઉપર કર્યો હતો. આ રંગોત્સવ પર્વે ફગવા રુપે ૧૧૧ કિલોગ્રામથી વધારે ખજૂર, ધાણી, દ્રાક્ષ અને ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાયા હતા અને ઔચ્છવ કરવામાં આવ્યો હતો. અંતમાં સૌને ધાણી - દ્રાક્ષ - ખજૂર - ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.  ‘ફૂલદોલોત્સવ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે - જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર - બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર - બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.

 

સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ ‘ફુલદોલોત્સવ’ ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસૂડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો - ભકતો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે. તેથી શ્રી સ્વામિનારાયણ મંદિર – મણિનગર ખાતે પણ આ ઉત્સવની ઉજવણી છેલ્લા ૭૫ વર્ષથી કરવામાં આવે છે.

ધુળેટીને ફુલદોલોત્સવ, પુષ્પદોલોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રૈવતાચળ - ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિદ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો. આમ, ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.

(11:31 pm IST)