Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા બનાવેલ રસ્તા પર તકતી લગાવી કોન્ટ્રાક્ટરની વિગત મૂકશે

ગુજરાત હાઈકોર્ટે પણ ખરાબ રસ્તાને લઈ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને કોન્ટ્રાક્ટરના નામની તકતી લગાવવા સૂચન કર્યું હતું.

અમદાવાદમાં વરસાદના લીધે રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા બનાવેલ રસ્તા પર તકતી લગાવી કોન્ટ્રાક્ટરની વિગત મૂકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે પણ ખરાબ રસ્તાને લઈ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને કોન્ટ્રાક્ટરના નામની તકતી લગાવવા સૂચન કર્યું હતું.

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતા જ રસ્તાઓ ધોવાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ભૂતકાળમાં હાઈકોર્ટે પણ અમદાવાદમાં રસ્તાઓની ખસ્તા હાલત મુદ્દે કોર્પોરેશનની ઝાટકણી કાંઢી હતી અને રસ્તાઓ પર કોન્ટ્રાક્ટરના નામનું બોર્ડ લગાવવાનું પણ સુચન કર્યું હતુ. આ સુચનાનું પાલન કરવામાં કોર્પોરેશન વામણું પૂરવાર થયું. હવે અમદાવાદ કોર્પોરેશન આવનાર દિવસોમાં નવા બનેલા રોડ પર તકતી લગાવી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની વિગતો મૂકશે.

તકતી પર કોન્ટ્રાક્ટરનું નામ, ચૂકવેલ રકમ અને રોડ બન્યાની તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. આ સિવાય રોડ પર ગટરની કેચપીટની આસપાસ તેમજ અન્ય જગ્યાએ કાદવ-કીચડ અને ગંદકી દૂર કરવાની પણ અધિકારીઓને સુચના અપાઈ છે. ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ નિયમિત રીતે કચરો લેવા આવે તે અંગે પણ અધિકારીઓને જાણ કરાઈ છે. કોર્પોરેશનના કામોનું ઓડિટ કરીએ તો શહેરીજનોની એક જ લાગણી જોવા મળે છે કે વાતો અને આદેશ તો થાય છે, પરંતુ દાવાનું ધોવાણ થતા વાર લાગતી નથી.

(10:07 pm IST)